Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા :કહ્યું -હવે ગુજરાતમાં AAP આવતા ભયભીત ભાજપ વહેલી ચૂંટણી કરાવશે

દસ-બાર દિવસમાં ગુજરાતમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત થઈ શકે : અત્યાર સુધી તો ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત ખાતે પહોંચ્યા છે. કેજરીવાલે સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે, દસ-બાર દિવસમાં ગુજરાતમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.અરવિંદ કેજરીવાલ આવતીકાલે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપશે. BTP સાથેના ગઠબંધન બાદ ભરૂચ જિલ્લાની અંદર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી તો ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થયા બાદ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તનાવ છે. આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં તૈયારી કરવા માટે વધુ સમય ન મળે તેના માટે સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, આગામી 10થી 12 દિવસમાં વિધાનસભાને ભંગ કરીને ચૂંટણીની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી શકે છે.

 

ગુજરાતના નેતાઓ સાથે વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શાહ દ્વારા યોજવામાં આવેલી બેઠક અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે શું ભાજપ આગામી સપ્તાહે ગુજરાત વિધાનસભા ભંગ કરી ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યો છે? શું આપથી આટલો ડર છે?

આપના આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ સુરતમાં સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરવાના હતા પરંતુ તેમના રાત્રી રોકાણના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુરતમાં નાઈટ મેરેથોન હોવાથી સર્કિટ હાઉસમાં સિક્યુરિટી રિઝનના કારણે રોકાણનું સ્થળ બદલવામાં આવ્યું છે અને ખાનગી હોટલમાં રાત્રી રોકાણ કરશે.

 

(10:57 pm IST)