Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મસ્જિદમાંથી લાઉડ સ્પીકર હટાવવાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફાલતુનો મુદ્દો ગણાવ્યો

તેમણે કહ્યું કે, આ એક વ્યર્થ વાત છે, જે ગમે તેમ ચાલે છે. દરેકની પોતાની ઈચ્છા હોય છે. આ બધી બાબતોમાં કોઈ જોખમ નથી

નવી દિલ્હી : ભાજપ શાસિત રાજ્યોમાં લાઉડસ્પીકર અંગે દેશભરમાં વિવાદ ચાલુ છે. બિહારમાં પણ ભાજપની મદદથી સરકાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં અહીં પણ લાઉડસ્પીકર હટાવવાની માંગ ઉઠવા પામી છે. પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું આ મામલે અલગ વલણ છે. નીતિશ કુમારે તેને ફાલતુનો મુદ્દો ગણાવ્યો છે.

જ્યારે નીતિશ કુમારને લાઉડસ્પીકર પર ચાલી રહેલી રાજનીતિ પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આ એક વ્યર્થ વાત છે, જે ગમે તેમ ચાલે છે. દરેકની પોતાની ઈચ્છા હોય છે. આ બધી બાબતોમાં કોઈ જોખમ નથી. નીતિશનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની જ સરકારમાં હાજર કેટલાક મંત્રીઓ અને ભાજપના નેતાઓ સતત લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે.

આ પહેલા બિહારમાં લાઉડસ્પીકર અંગે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે નીતિશ કુમારના મંત્રી જનક રામે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે દેશના કાયદાથી મોટો કોઈ ધર્મ નથી. રાજ્યોમાં પણ કાયદાનું પાલન થાય છે. જો આ કાયદો યુપીમાં આવ્યો તો તેની અસર બિહાર પર પણ પડશે. તેમણે કહ્યું હતું કે, તેને લાગુ કરવા માટે કેન્દ્ર અને બિહારના નેતાઓ ચર્ચા કરશે. તેમના સિવાય ભાજપના કેટલાક નાના નેતાઓ દ્વારા પણ લાઉડસ્પીકર બાબતે આવી બયાનબાજી સામે આવી હતી.

(9:59 pm IST)