Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

CBI દ્વારા વિનોદ ગોયંકા-શાહિદ બલવાને ત્યાં દરોડા

યશ બેંક છેતરપિંડી કેસમાં CBI તપાસનો ધમધમાટઃસીબીઆઈએ મુંબઈ અને પુણેમાં ૮ સ્થળોએ દરોડા પાડ્યા, કેસમાં સીબીઆઈ ઉપરાંત ઈડી પણ તપાસ કરી રહી છે

 નવી દિલ્હી, તા.૩૦ : યસ બેંક (યશ બેંક) છેતરપિંડી કેસમાં સીબીઆઈ તપાસ નવી દિશામાં આગળ વધી રહી છે. તપાસ એજન્સીએ શનિવારે વિનોદ ગોયંકા અને શાહિદ બલવાના ઠેકાણાઓ પર દરોડા પાડીને તલાશી હાથ ધરી હતી.

જાણવા મળ્યા મુજબ સીબીઆઈએ મુંબઈ અને પુણેમાં ૮ સ્થળોએ દરોડો પાડ્યો છે. સીબીઆઈ પુણેમાં બિલ્ડર વિનોદ ગોયંકા અને મુંબઈમાં શાહિદ બલવા તથા અવિનાશ ભોસલેના સ્થળોએ તલાશી લઈ રહી છે. સીબીઆઈએ યશ બેંક-ડીએચએફએલ છેતરપિંડી કેસની તપાસના અનુસંધાને આ પ્રકારે દરોડો પાડ્યો છે. સીબીઆઈએ ૨ દિવસ પહેલા જ પ્રખ્યાત બિલ્ડર સંજય છાબડિયાની ધરપકડ કરી હતી.

યસ બેંક અને ડીએચએફએલ છેતરપિંડી કેસમાં સીબીઆઈ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પણ તપાસ કરી રહી છે.

આ મામલો યસ બેંકના સ્થાપક રાણા કપૂર ડીએચએફએલને ફાયદો કરવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવા સંબંધિત છે. હકીકતમાં યસ બેંકે ડીએચએફએલ ડિબેન્ચરમાં આશરે રૂ. ૩,૭૦૦ કરોડનું રોકાણ કર્યું હતું અને તેના બદલામાં રાણા કપૂર અને તેમના પરિવારે તેનો વ્યક્તિગત લાભ લીધો હતો.

એસબીઆઈએ માર્ચ ૨૦૨૦માં આ મામલે કેસ પણ નોંધ્યો હતો. એસબીઆઈએ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો હતો. આ સાથે તે આ કેસમાં ભ્રષ્ટાચાર અંગે પણ તપાસ કરી રહી છે.

(8:42 pm IST)