Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજા મૌલીએ ૪૪.૫૦ લાખની વોલ્વો એક્સસી૪૦ કાર ખરીદી

હિટ ફિલ્મોના દિગ્દર્શકને લક્ઝ્યુરસ ગાડીઓનો શોખઃઆરઆરઆર સફળ સાબિત થઈ તો ફિલ્મ દિગ્દર્શકે અન્ય એક લક્ઝરી કાર પોતાના કલેક્શનમાં સામેલ કરી

મુંબઈ, તા.૩૦ : ડિરેક્ટર એસએસ રાજા મૌલી સાઉથના એવા ડિરેક્ટર છે, જેમણે પોતાના કરિયરમાં જેટલી ફિલ્મો બનાવી છે તમામ સુપર હિટ સાબિત થઈ છે. પછી વાત બાહુબલી સીરિઝની હોય કે તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ આરઆરઆરની હોય, તમામ ફિલ્મો બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરે છે. તેમની ફિલ્મોના હિન્દી વર્ઝન પણ કમાણીના અનેક રેકોર્ડ તોડી ચૂકી છે. બાહુબલી પછી ઉત્તર ભારતના રાજ્યોમાં પણ રાજામૌલીની ઓળખ ઉભી થઈ છે. બાહુબલીની સફળતા પછી રાજામૌલીએ બીએમડબલ્યુ કાર ખરીદી હતી. હવે જ્યારે આરઆરઆર સફળ સાબિત થઈ તો તેમણે અન્ય એક લક્ઝરી કાર પોતાના કલેક્શનમાં સામેલ કરી છે. તેમણે પોતાના માટે એખ ૪૪.૫૦ લાખ રુપિયા કિંમતની કાર ખરીદી છે.

૪૪.૫૦ લાખની કિંમત ધરાવતી રાજામૌલીની આ નવી કાર વોલ્વો એક્સસી૪૦ છે. તેમનો આ કારની ચાવી સ્વીકારતો ફોટો પણ સામે આવ્યો છે. ફોટોમાં જોઈ શકાય છે કે રાજામૌલી કંપનીના મેનેજર પાસેથી ચાવી લઈ રહ્યા છે અને પાછળ લાલ રંગની ચમચમતી લક્ઝરી કાર ઉભી છે. કારના ફીચર્સની વાત કરીએ તો, કારમાં ૯ ઈંચની પ્રોટ્રેટ ટચસ્ક્રીન છે અને વર્ટિકલ એસી વેંટ્સ છે. સાથે જ આ કારમાં સાત એરબેગ્સ પણ છે. કારમાં ૧૪-સ્પીકર હરમન કોર્ડન સાઉન્ડ સિસ્ટમ, એક સનરુપષ વાયરલેસ ચાર્જર, એક ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ એસી વગેરે પણ છે. રિપોર્ટ અનુસાર, રાજામૌલીની આરઆરઆ ફિલ્મે વર્લ્ડવાઈડ ૧૧૦૦ કરોડની કમાણી કરી છે. વીએફએક્સથી ભરપૂર આ ફિલ્મમાં જૂનિયર એનટીઆરે કોમરામ ભીમનું અને રામ ચરણે અલૂરી સીતારામ રાજૂનું પાત્ર ભજવ્યુ હતું. ફિલ્મની સ્ટોરી આ બન્ને પાત્રોના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગણ, આલિયા ભટ્ટ, શ્રિયા સરન જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. રાજામૌલીની બાહુબલી સીરિઝની વાત કરીએ તો, બન્ને ફિલ્મોનો સમાવેશ ભારતની સૌથી વધારે કમાણી કરનારી ૧૦ ફિલ્મોમાં થાય છે. ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૫માં આવ્યો હતો, જેણે વર્લ્ડવાઈડ ૬૦૦.૬ કરોડ રુપિયા કમાણી કરી હતી. જ્યારે વર્ષ ૨૦૧૭માં આવેલી તેની સિક્વલ ફિલ્મે ૧૭૪૯ કરોડ રુપિયા કમાણી કરી હતી.

(8:33 pm IST)