Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

IPL 2022: ધોની ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના કેપ્ટન તરીકે ફરીથી નિયુક્ત : રવિન્દ્ર જાડેજાએ પોતાની કેપ્ટનશિપમાં CSK 8 માથી 6 મેચ હારી જતાં કેપ્ટન્સી છોડવા કર્યો નિર્ણય

આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું : રવિન્દ્ર જાડેજાએ પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધાનું જણાવ્યુ

મુંબઈ : આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ ખેલાડીએ લીગની વચ્ચે જ કેપ્ટન્સી છોડી દીધી અને ફરીથી જૂના કેપ્ટનને આ જવાબદારી સોંપી.

આઈપીએલની 15મી સીઝન શરૂ થાય તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ સીઝનમાં ફરી એકવાર 8 મેચમાં કેપ્ટનશિપ કર્યા બાદ જાડેજાએ ટીમની કપ્તાની છોડી દીધી અને ફરીથી આ જવાબદારી એમએસ ધોનીને સોંપી.

રવિન્દ્ર જાડેજાના કેપ્ટનશીપ છોડ્યા બાદ CSK દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાએ પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે અને કેપ્ટન્સી છોડી દીધી છે. તે જ સમયે, એમએસ ધોનીએ પણ રવિન્દ્ર જાડેજાની વિનંતી સ્વીકારી અને રવિન્દ્ર જાડેજાને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. આ સિઝનમાં, CSK એ રવિન્દ્ર જાડેજાની કપ્તાનીમાં કુલ 8 મેચ રમી હતી, જેમાં ટીમ માત્ર બે મેચ જીતી શકી છે અને છ મેચ હારી છે. બે મેચમાંથી ચાર પોઈન્ટ સાથે, ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે અને પ્લેઓફની રેસમાં પોતાને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે.

ધોની CSK ટીમનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે અને તેની કપ્તાનીમાં આ ટીમ ચાર વખત ખિતાબ જીતી ચૂકી છે. જોકે આ સિઝનની શરૂઆતમાં ધોનીએ સુકાની પદ છોડ્યા બાદ દરેકને આશ્ચર્ય થયું હતું, પરંતુ જાડેજાનો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય વધુ આશ્ચર્યજનક રહ્યો. જોકે, જાડેજાની કપ્તાનીમાં CSKનું પ્રદર્શન બહુ સારું નહોતું. આ સિઝન દરમિયાન જાડેજા પણ કેપ્ટનશિપના દબાણમાં જોવા મળ્યો હતો અને તે પોતાની ટીમ માટે ન તો બોલિંગ કે બેટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યો હતો.

(8:02 pm IST)