Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

યુક્રેનમાં ૯૦૦ મૃતદેહોની સામૂહિક કબર મળી

ઝેલેન્‍સકીએ દાવો કર્યો છે કે કિવમાં સામૂહિક કબરો મળી આવી છે : રશિયન સેના યુક્રેનના લોકો પર અત્‍યાચાર કરી રહી છે

કીવ તા. ૩૦ : યુક્રેનમાં સામૂહિક કબરો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્‍સકીએ દાવો કર્યો છે કે કિવમાં સામૂહિક કબરો મળી આવી છે. તેમણે કહ્યું કે રશિયન સેના યુક્રેનના લોકો પર અત્‍યાચાર કરી રહી છે.
ઝેલેન્‍સકીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન માહિતી આપી હતી કે આ પહેલા પણ યુક્રેનમાં સામૂહિક કબરો મળી ચુકી છે. રશિયા અને યુક્રેન વચ્‍ચેના યુદ્ધમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. આવી જ એક માહિતી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્‍સકીએ આપી હતી. પોલિશ મીડિયાને બ્રીફિંગ કરતી વખતે, ઝેલેન્‍સકીએ દાવો કર્યો કે યુક્રેનની રાજધાની કિવમાં ફરીથી એક સામૂહિક કબર મળી છે. તેમણે પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન કહ્યું કે કિવમાં ૯૦૦ મૃતદેહોની સામૂહિક કબર મળી આવી છે. તેને રશિયન સૈન્‍ય દ્વારા મારી નાખવામાં આવ્‍યો અને દફનાવવામાં આવ્‍યા હતા. ઝેલેન્‍સકીએ રશિયાની નિંદા કરતા કહ્યું કે પુતિન યુક્રેન તેમજ સંયુક્‍ત રાષ્ટ્રને પડકારી રહ્યા છે.
અગાઉ, ૨૨ એપ્રિલના રોજ મારીયુપોલમાં સામૂહિક કબરો મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્‍યો હતો. મારીયુપોલ વહીવટીતંત્રે દાવો કર્યો હતો કે રશિયન સેનાએ ત્‍યાં લગભગ ૯,૦૦૦ યુક્રેનિયનોને મારી નાખ્‍યા હતા અને દફનાવવામાં આવ્‍યા હતા. તેની સેટેલાઇટ ઇમેજ પણ મેક્‍સર ટેક્‍નોલોજીસ દ્વારા બહાર પાડવામાં આવી હતી. કહેવામાં આવ્‍યું હતું કે આ તસવીરો મનહુષની છે. જે ડોનેટ્‍સક પ્રાંતનું એક શહેર છે. આ સ્‍થળ મેરીયુપોલથી લગભગ ૨૦ કિમી દૂર છે. આ તસવીર ૩જી એપ્રિલે ક્‍લિક કરવામાં આવી હતી.

 

(10:30 am IST)