Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

OBC અનામતમાં ૪ કેટેગરી ઉભી કરવા તૈયારી

જસ્‍ટીશ રોહિણી પંચે સરકારને OBCનાં પેટા વિભાગો ઉભા કરવા કરી છે ભલામણ : ૨૬૩૩ જ્ઞાતિઓને ૪ વિભાગમાં વ્‍હેંચવા જણાવ્‍યું છે : કેન્‍દ્ર સરકારે અનામતના સંવેદનશીલ મુદ્દા ઉપર શરૂ કરી રાજકીય વાટાઘાટો

નવી દિલ્‍હી તા. ૩૦ : કેન્‍દ્ર સરકારે અન્‍ય પછાત વર્ગની સબ કેટેગરીઓ ઉભી કરવા અને ૨૭ ટકા અનામતની સમાન વહેંચણી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકીય ચર્ચા વિચારણા શરૂ કરી છે.
૨૦૧૭માં રચાયેલ જસ્‍ટીસ રોહિણી કમિશને પોતાની ભલામણો સરકારને સોંપી છે. રોહિણી કમિશને ૨૬૩૩ અન્‍ય પછાત જાતિઓને ૪ કેટેગરીમાં વહેંચવા (નંબર ૧, ૨, ૩ અને ૪) અને દરેક કેટેગરી માટે અલગ અલગ અનામત ટકાવારી આપવાની ભલામણ કરી છે. આ ભલામણ અનુસાર, કેટેગરી-૧ને સૌથી વધારે ૧૦ ટકા અનામત મળી શકે છે. અત્‍યારે અન્‍ય પછાત વર્ગમાં કોઇ સબ કેટેગરી નથી અને ૨૭ ટકા અનામત ૨૬૩૩ જાતિઓને મળે છે. અન્‍ય પછાત વર્ગમાં કેટેગરી જાતિ અને પેટાજાતિની વસ્‍તીના આધારે થવાથી બધી જાતિઓને અનામતનો સમાન લાભ મળશે.
કમિશને પોતાની ભલામણોને સમજાવવા માટેનું પ્રેઝન્‍ટેશન પીએમઓમાં કર્યું હતું. સામાજીક ન્‍યાય અને સશકિતકરણ પ્રધાન ડોકટર વીરેન્‍દ્રકુમાર મંગળવાર સુધીમાં આ ભલામણોની સમીક્ષા કરશે. સૂત્રો અનુસાર સરકાર કમિશનની ભલામણોના રાજકીય પ્રત્‍યાઘાતો ચકાસી રહી છે. કેમકે અનામત બાબતે કોઇ પણ પગલું ઝડપથી ફેલાઇને હિંસક બની શકે છે.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેનું કમિશન જે મંડલ પંચ તરીકે જાણીતું થયું હતું, તે ૧૯૭૯માં મોરારજી દેસાઇના નેતૃત્‍વવાળી જનતા પક્ષની સરકાર દરમિયાન રચાયું હતું અને તેણે પોતાનો રિપોર્ટ ૧૯૮૦માં સોંપ્‍યો હતો. જો કે તેની ઓબીસીને ૨૭ ટકા અનામતની ભલામણોનો અમલ એક દાયકા પછી વી પી સિંહની સરકાર દરમિયાન ૧૯૯૦માં થયો હતો. ત્‍યારે વિદ્યાર્થીઓ દ્વારા તેનો પ્રચંડ વિરોધ થયો હતો.
ઉચ્‍ચસ્‍થાને બિરાજેલ એક સુત્ર અનુસાર, સરકાર આ ચાર કેટેગરી ફોર્મ્‍યુલા રજેરજ ચકાસી રહી છે અને આ રિપોર્ટ સામે ઉભા થનારા વિરોધની તૈયારીઓ કરી રહી છે. એક સીનીયર પ્રધાન જે પોતાની ઓળખ જાહેર નથી કરવા ઇચ્‍છતા તેમણે કહ્યું ‘આ રિપોર્ટ અને તેના અમલીકરણનો સમયગાળો બહુ મહત્‍વનો છે. પેનલે ઓબીસી અનામત માટે ૪ કેટેગરીની ભલામણ કરી છે. તેમાં અનામતની વહેંચણીમાં અસમાનતા છે પણ તે ફકત ૨ ટકા જેટલી જ છે.'
૨ ઓક્‍ટોબર ૨૦૧૭ના રોજ રચાયેલા આયોગે કેન્‍દ્રીય સૂચિમાં કુલ ૨,૬૩૩ OBC જાતિઓને ચાર પેટા-શ્રેણી (૧, ૨, ૩ અને ૪)માં વિભાજિત કરવાની અને આ શ્રેણીઓમાં OBC અનામતના ૨૭ ટકાને વિભાજિત કરવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે. અનુક્રમે બે, છ, નવ અને ૧૦ ટકા.
વિકાસ એટલા માટે થયો છે કારણ કે કમિશનને જાણવા મળ્‍યું છે કે અમુક જાતિ જૂથોએ ક્‍વોટાનો મોટો હિસ્‍સો કોર્નર કર્યો છે. તેથી કેન્‍દ્રીય સૂચિમાં OBCના સૂચિત વર્ગીકરણનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે અન્‍ય જૂથો બધાને હિસ્‍સાની ખાતરી આપવામાં આવશે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રથમ શ્રેણીમાં ૧,૬૭૪ જાતિ જૂથોનો સમાવેશ થાય છે, જેમાં મોટાભાગે એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે ક્‍વોટાનો લાભ લીધો નથી. બીજી શ્રેણીમાં સંભવતઃ ૫૩૪ જ્ઞાતિ જૂથોનો સમાવેશ થશે. દરમિયાન, ત્રીજા અને ચોથા જાતિના જૂથોમાં અનુક્રમે ૩૨૮ અને ૯૭ જાતિ જૂથોનો સમાવેશ થાય છે.

જસ્‍ટીસ રોહિણી કમિશનની કામગીરી

જસ્‍ટીસ રોહિણી કમિશનને ૧૨ વખત એકસ્‍ટેન્‍શન મળ્‍યું છે અને હવે તેની મુદત ૩૧ જુલાઇ ૨૦૨૨ સુધી લંબાવાઇ છે. આ કમિશને કેન્‍દ્રના ઓબીસી લીસ્‍ટને ચકાસ્‍યું છે અને તેના ભાગ પાડયા છે. રોહિણ કમિશનના રિપોર્ટ પર ઘણા બધા નિર્ણયો આધાર રાખે છે. ઓબીસી લીસ્‍ટમાં ફેરફારો માટેની કમિશનની ભલામણો સ્‍વીકારવા માટે સરકારે રાષ્‍ટ્રપતિનો વટહુકમ લાવવો પડશે અને પછી ઓબીસી લીસ્‍ટમાં ઉમેરો કે બાદબાકી થશે. આગામી ૧૮ મહિનામાં ભાજપા શાસિત ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્‍ય પ્રદેશ સહિતના કેટલાક રાજ્‍યોમાં ચુંટણીઓ આવી રહી છે ત્‍યારે મોદી સરકાર આ રિપોર્ટ બાબતે સાવચેત રહેશે.

(10:29 am IST)