Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કાબુલમાં મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થતા 10 લોકોના મોત: 20 ઇજાગ્રસ્ત

વિસ્ફોટ એટલો ગંભીર હતો કે મસ્જિદની આસપાસની ઇમારતો ધ્રૂજી ઊઠી

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે એક મસ્જિદમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા છે. તાલિબાનના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે મુસ્લિમ પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે સેંકડો લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા અને ખલીફા આગા ગુલ જાન મસ્જિદ ભરચક હતી. તેમણે જણાવ્યું હતું કે મુત્યુઆંક વધી શકે છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ નફી તકોરે વધુ વિગતો આપી ન હતી અને જણાવ્યું હતું કે તાલિબાનના સુરક્ષા કર્મચારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટનો સ્ત્રોત તરત જ જાણી શકાયો નથી અને હજુ સુધી કોઈએ આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો ગંભીર હતો કે મસ્જિદની આસપાસની ઇમારતો ધ્રૂજી ઊઠી હતી

વિસ્ફોટ બાદ એક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ તરફ જતી જોવા મળી હતી. આ મસ્જિદ અફઘાનિસ્તાનના બહુમતી સુન્ની મુસ્લિમોની છે. અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘણા વિસ્ફોટો થયા છે અને દેશના લઘુમતી શિયા મુસ્લિમોને નિશાન બનાવતી મસ્જિદો પર સમાન હુમલાઓ થયા છે

 

 

(11:28 pm IST)