Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમેરિકાના ડલ્લાસમાં વસતા સુરતી લેઉઆ પટેલ સમાજે ભારતીય સંસ્કૃતિ દીપાવી : યુક્રેનથી પોલેન્ડ જવા મજબુર બનેલા નિરાશ્રિતોના લાભાર્થે ભારતના સુવિખ્યાત મહિલા કલાકાર ગીતા રબારીના ડાયરાનું આયોજન કર્યું : માત્ર 30 જ મિનિટમાં 3 લાખ ડોલરનો વરસાદ : ભેગી થયેલી રકમ પોલેન્ડ પહોંચાડી યુક્રેનના નિરાશ્રિતો માટે આશ્રય તથા ભોજનની વ્યવસ્થા કરી

ડલ્લાસ ટેક્સાસ : તાજેતરમાં યુ.એસ.ના ડલ્લાસ ફોર્ટમાં સુરતી લેઉઆ પાટીદાર સમાજના ઉપક્રમે યુક્રેનથી પોલેન્ડ જવા મજબુર બનેલા નિરાશ્રિતોના લાભાર્થે ભારતના સુવિખ્યાત મહિલા કલાકાર સુશ્રી ગીતા રબારીના ડાયરાનું આયોજન કરાયું હતું.

30 મિનિટના આ પ્રોગ્રામમાં 3 લાખ ડોલરની નોટોનો વરસાદ વરસાવવામાં શ્રી બ્રુશ પટેલ તથા શ્રી ડેની ( દિનેશ ) પટેલ સફળ થયા હતા. જેમણે યુક્રેનના પોલેન્ડ ખાતેના રેફ્યુજી નાગરિકો માટે મદદનો હાથ લંબાવવા સહુને વિનંતી કરી હતી.

ડલ્લાસ ફોર્ટ ખાતે વસતા સુરતી લેઉઆ પાટીદાર સમાજના સભ્યો પરોપકાર માટે હંમેશા તેમના દિલ અને ધનના દ્વાર ખુલ્લા રાખવા માટે મશહૂર છે.

ઉપરોક્ત ભેગી થયેલી રકમ પોલેન્ડ ખાતેના યુક્રેનના રેફ્યુજી સમૂહને પહોંચાડવા  સુરતી લેઉઆ પાટીદાર સમાજના સેવાભાવી કાર્યકરો તુરંત તૈયાર થઇ ગયા હતા. આ ભેગી થયેલી રકમ ઉપરાંત અન્ય એન જી ઓ દ્વારા એકત્રિત થયેલી રકમ રેફ્યુજી લોકોને પહોંચાડવા રવાના થયા હતા.

આ સેવાભાવી કાર્યકરોમાં શ્રી અજય પટેલ ,શ્રી ભીખુ દેસાઈ ,શ્રી હેમંત પટેલ ,શ્રી રાજન પટેલ ,શ્રી શિવ પટેલ ,શ્રી રાજુ પાટીલ ,શ્રી જગદીશ પટેલ ,શ્રી હસુ ( ચાચા ) પટેલ ,તથા શ્રી સંજય બી.પટેલનો સમાવેશ થતો હતો.જેમને પોલેન્ડમાં ખુબ જ સારો અનુભવ થયો હતો.

તેઓ યુક્રેનથી પોલેન્ડ આવેલા નિરાશ્રિતોના બાળકો માટે 638 બેડ સાથેના કિન્ડર ગાર્ડન રૂમ બનાવવા તથા નિરાશ્રિતોને જીવન જરૂરી વસ્તુઓ આપવામાં સફળ થયા હતા.ઉપરાંત માત્ર 12 કલાકમાં વર્લ્ડ સેન્ટ્રલ કિચન વેર હાઉસમાંથી ગરમાગરમ નાસ્તો તેમજ બપોરનું અને રાત્રિનું ભોજનપૂરું પાડી શક્યા હતા.એટલું જ નહીં દૈનિક 2 લાખ 90 હજાર ડીશ મળે તેવી વ્યવસ્થા કરવામાં સફળ થયા હતા.
તેઓને આ કાર્યએ જબરો સંતોષ અપાવ્યો  હતો.જે સમાજના સામુહિક પુરુષાર્થને આભારી હતો.તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે આશાસ્પદ હતો.

(12:06 pm IST)