Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

BBC ડોક્યુમેન્ટરીનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો: કેન્દ્ર સરકારે મુકેલા પ્રતિબંધને જાહેર હિતની અરજી દ્વારા પડકાર

ન્યુદિલ્હી :દેશમાં 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટરી પર "પ્રતિબંધ" મુકવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટને BBC ડોક્યુમેન્ટરીના બંને ભાગોને દર્શાવવા અને તેની તપાસ કરવા અને 2002ના ગુજરાત રમખાણોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાળો આપનારાઓ સામે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

શર્માએ કહ્યું છે કે તેમની પીઆઈએલમાં તેમણે બંધારણીય પ્રશ્ન ઉઠાવ્યો છે અને સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે કે શું નાગરિકોને કલમ 19(1)(2) હેઠળ 2002ના ગુજરાત રમખાણો અંગે સમાચાર, તથ્યો અને અહેવાલો જોવાનો અધિકાર છે કે નહીં. તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયના 21 જાન્યુઆરી, 2023ના આદેશને ગેરકાયદેસર, મનસ્વી અને ગેરબંધારણીય ગણાવીને રદ કરવાની માંગ કરી છે.
 

તેમની અરજીમાં પૂછવામાં આવ્યું છે કે શું કેન્દ્ર સરકાર પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવી શકે છે, જે બંધારણની કલમ 19(1)(2) હેઠળ બાંયધરી આપવામાં આવેલ મૂળભૂત અધિકાર છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બીબીસીની ડોક્યુમેન્ટરીમાં "રેકોર્ડ કરેલા તથ્યો" છે, જે "પુરાવા" પણ છે અને તેનો ઉપયોગ પીડિતો માટે ન્યાયનો માર્ગ મોકળો કરવા માટે થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 21 જાન્યુઆરીએ કેન્દ્રએ વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ની લિંક શેર કરતી અનેક યુટ્યુબ વીડિયો અને ટ્વિટર પોસ્ટને બ્લોક કરવાનો નિર્દેશ જારી કર્યો હતો. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(11:02 am IST)