Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠનની 75 વર્ષના પૂર્વ ફૌજી જોગિંદર સિંહ ઉગરાહાંના હાથમાં કમાન

ગૃહમંત્રી અમિતભાઈ શાહે જોગિંદર સિંહ ઉગરાહાંને ફોન કરીને વાતચીત માટે આમંત્રણ આપ્યુ હતું.

નવી દિલ્હી: છેલ્લા બે મહિનાથી કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે દિલ્હીની સરહદો સુધી આવી પહોચ્યુ છે. પંજાબના ખેડૂત દિલ્હીના જંતર મંતર પર ધરણા કરવા માંગે છે. કેન્દ્ર સરકારે તેમણે દિલ્હીના બુરાડીમાં પ્રદર્શન માટે જગ્યાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ ખેડૂતોએ તેને ફગાવી દીધો છે. પંજાબના નાના-મોટા 31 ખેડૂત સંગઠન છે પરંતુ તેમાં સૌથી મોટુ નામ ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાંનું છે. આ સંગઠનની કમાન 75 વર્ષના પૂર્વ ફૌજી જોગિંદર સિંહ ઉગરાહાંના હાથમાં છે. તે આ સંગઠનના સંસ્થાપક અને અધ્યક્ષ છે.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જોગિંદર સિંહ ઉગરાહાંને ફોન કરીને વાતચીત માટે આમંત્રણ આપ્યુ હતું. સાથે જ ખેડૂતોને દિલ્હીમાં બુરાડીમાં પ્રદર્શન કરવાનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. જોગિંદર સિંહે બુરાડીમાં પ્રદર્શનનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ઉગરાહાંએ કહ્યુ કે જંતર મંતર પર ખેડૂત ધરણા આપવા માંગે છે અને આ તેમનો બંધારણીય અધિકાર છે, તેમના અનુસાર દિલ્હી પોલીસે જંતર મંતર પર ધરણા આપવાની પરવાનગી ના આપીને ગેરબંધારણીય કામ કર્યુ છે.

ઉગરાહાં અનુસાર જો જંતર મંતર પર ધરણાની પરવાનગી આપવામાં નથી આવતી તો ખેડૂત દિલ્હીની સરહદો પર રહીને જ પ્રદર્શન કરશે. જોકે, ઉગરાહાં બેરિકેડિંગ તોડવા જેવી ઘટનાઓનું સમર્થન નથી કરતા. ઉગરાહાંએ કહ્યુ, “અમે હિંસાથી દૂર રહેવા માંગીએ છીએ. જો અમારે બેરિકેડિંગ તોડવા હોત તો ખેડૂતોને પહેલા જ કહી દીધુ હોત. મે બેરિકેડિંગ તોડનારા યુવકોને પણ અપીલ કરી છે કે તે આવુ ના કરે, જેનાથી આપણુ આંદોલન નબળુ થશે. આ બધુ કરવુ અમારા સંગઠનની પોલિસી નથી.”

ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાંના અધ્યક્ષ જોગિંદર સિંહ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામમાં ઉગરાહાં ગામના છે અને એક પૂર્વ ફૌજી છે. ઉગરાહાં ગામ સંગરૂરથી 9 કિલોમીટર દૂર છે.

 

1945માં જન્મેલા જોગિંદર સિંહ મૂળ ખેડૂત પરિવાર સાથે સબંધ ધરાવે છે. ચાર ભાઇ અને ચાર બહેનો ધરાવતા જોગિંદર સિંહ 1975માં ભારતીય સેનામાં ભરતી થયા પરંતુ બે વર્ષ બાદ જ પારિવારીક કારણોથી સેનાની નોકરી છોડી દીધી હતી. સેનાની નોકરી છોડ્યા બાદ જોગિંદર સિંહ ખેતી કરવા લાગ્યા હતા અને ડેરી ખોલી હતી, તેમના પરિવાર પાસે માત્ર 5 એકર જમીન છે, તેમની બે દીકરીઓ છે.

 

નાના ખેડૂત હોવાને કારણે તે ગરીબ ખેડૂતોના દુખ દર્દ જાણે છે અને તેમણે 2002માં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાંની સ્થાપના કરી હતી. આ ખેડૂત સંગઠનની માલવા વિસ્તારમાં સારી પકડ છે. જોગિંદર સિંહની ઇમાનદાર છબીને કારણે સામાન્ય ખેડૂત તેમની સાથે જોડાતો ગયો અને આ સંગઠન મજબૂત બનતુ ગયુ.

ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાં આજે પંજાબમાં સૌથી મોટુ ખેડૂત સંગઠન છે. ખેડૂતોમાં સારી પકડને કારણે રાજકારણમાં પણ તેમનું નામ ચર્ચાય છે પરંતુ જોગિંદર સિંહ પોતાના સંગઠનને પુરી રીતે રાજકારણથી દૂર રાખવા માંગે છે. જોગિંદર સિંહનું કહેવુ છે કે ખેડૂત પોતાની લડાઇ ખુદ લડવામાં સક્ષમ છે અને તેમણે કોઇ સાંસદ-ધારાસભ્યની મદદ લેવાની જરૂર નથી.

(11:22 pm IST)