Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

17 વર્ષની ઉંમરે રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સ્‍વયંસેવકનો કેશુભાઇ પટેલે ભેખ ધારણ કર્યો હતોઃ આજીવિકા માટે અનાજ દળવાની ઘંટી પણ ચલાવી હતી

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના રાજકારણના ભીષ્મ પિતામહ કેશુબાપાએ 92 વર્ષે દેહત્યાગ કરવા સાથે સંઘની વિચારસરણીવાળા રાજકારણના એક યુગનો અંત થયો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે 24 જુલાઈ 1928ના રોજ જન્મેલા કેશુભાઈ પટેલ રાષ્ટ્રીય સંઘની વિચારધારાથી પ્રભાવિત હોઈને ફક્ત 17 વર્ષની ઉંમરે સંઘના સ્વયંસેવકનો ભેખ ધારણ કરી લીધો હતો.

તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાના પ્રચાર માટે ગામેગામ ફરતા હતા. તેઓ આજીવિકા માટે અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. તેમણે ગુજરાતમાં ભાજપની રચના પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે ઘણું કામ કર્યુ છે.

1977ની લોકસભા ચૂંટણી જીતી રાજકીય કારકિર્દી શરૂ કરી

તેમના જીવનમાં કારકિર્દીના પ્રારંભિક વર્ષો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન કાર્યકરજ રહ્યા હતા. તેના પછી તેઓ જનસંઘમાં જોડાયા હતા. 1975માં કટોકટીનો વિરોધ કરવાના પગલે તેમણે ગુજરાતમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. 1977માં તે લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા અને ભારે બહુમતીથી જીત્યા હતા. પણ અટલજીના આદેશના પગલે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ અને વિધાનસભાના જંગમાં ઝુકાવતા ગુજરાતમાં ભાજપ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ.

ગુજરાતમાં ભાજપના પાયાના પથ્થર કેશુબાપા

તેના પરિણામે તે ગુજરાતમાં ભાજપના પાયા નાખી શક્યા હતા. આજે ભાજપની ગુજરાતમાં જે સ્થિતિ છે તે કેશુબાપા જેવા નેતાના લીધે છે. તેઓ ગુજરાત ભાજપના પ્રથમ પ્રદેશ પ્રમુખ પણ હતા.

ગુજરાતમાં ભાજપે 1989થી 1990 દરમિયાન ચીમનભાઈ પટેલના જનતાદળ-ભાજપની સંયુક્ત સરકાર તેમના જ પ્રયાસોથી બનાવી હતી. પણ તે સરકારની પોતે બહાર રહ્યા હતા. જો કે સ્વતંત્ર સ્વભાવના ચીમનભાઈ પટેલ સાથે ભાજપની સરકાર બહુ ચાલી ન હતી, પરંતુ આ સરકારની જોડે રહીને કેશુબાપાએ સરકારના વહીવટની બારીકીઓ જોઈ લીધી હતી, જે પછી ભાજપને કામ આવી હતી.

ગુજરાતમાં ભાજપના પ્રથમ પ્રદેશ પ્રમુખ અને પ્રથમ CM પણ કેશુબાપા

તેના પછી માર્ચ 1995ના રોજ ભાજપની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર ગુજરાતમાં રચાઈ તેના તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા. આમ ગુજરાતમાં સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકાર અને તેના સૌપ્રથમ મુખ્યપ્રધાન બનવાનું શ્રેય તેને ગયું હતું. પણ શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને તેમની સરકાર ઉથલાવી તેના પછી પણ કેશુબાપા માર્ચ 1998માં જનસહાનુભૂતિના મોજા હેઠળ ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને ઓક્ટોબર 2001 સુધી મુખ્યપ્રધાન રહ્યા હતા.

ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજનાને આગળ ધપાવવા તે ઝનૂનથી લડ્યા હતા. 2012માં તેમણે ભાજપમાંથી રાજીનામુ આપીને ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) બનાવી હતી, જે પછી ભાજપમાં જ વિલિન થઈ ગઈ હતી.

(4:59 pm IST)