Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

એક વ્‍યકિતને એટલો બધો ગુસ્‍સો આવ્‍યો કે 2 કરોડની કાર એક ઝાટકે બાળી નાખીઃ વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: તમે જોયું હશે કે જ્યારે વ્યક્તિ ખુબ ગુસ્સામાં હોય તો ક્યારેક કોફી મગ તોડી નાખે છે, ટીવીના રિમોટને પછાડે છે કે પછી જો ખાવાનું સારું ન મળે તો પીરસેલી થાળી ફેંકી દે છે. પરંતુ ક્યારેય જોયુ છે કે કોઈ વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવ્યો હોય કે તે પોતાની લક્ઝરી કાર જ બાળી મૂકે.

YouTuber​ ના ગુસ્સાનો ભોગ બની લક્ઝરી કાર

તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીએ છીએ કે જેણે ગુસ્સામાં આવીને પોતાની જ મોંઘીદાટ મર્સિડિઝ ગાડી પર કેરોસિન છાંટીને બાળી મૂકી. આ વ્યક્તિનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારની કિંમત 2 કરોડ 58 લાખ 86 હજાર 875(USD 350,000)થી પણ વધુ હોવાની કહેવાય છે. આટલી મોંઘી કાર એક વ્યક્તિના ગુસ્સાના કારણે રાખ બની ગઈ.

રશિયામાં રહેતો આ શખ્સ એક Youtuber છે જેનું નામ મિખાઈલ લિટવિન (Mikhail Litvin) છે. રસપ્રદ વાત એ છે કે મિખાઈલે પોતે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ  કર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. 

ખામીઓથી પરેશાન હતો

Motor1.com મુજબ મિખાઈલ એક રશિયન બ્લોગર છે. જે પોતાની મર્સિડિઝ Mercedes-AMG GT 63 S ની ખામીઓના કારણે ખુબ પરેશાન હતો. રિપોર્ટ્સ મુજબ મિખાઈલની લક્ઝરી કાર બરાબર કામ કરતી નહતી અને સતત તેની તોડફોડ ચાલુ જ હતી. તેણે આ કાર એક અધિકૃત ડીલર પાસેથી  ખરીદી હતી. જેમાં વારંવાર  ખામીઓ જોવા મળતી હતી. તેણે એકવાર રિપેર કરાવી પરંતુ ફરીથી ફરિયાદ આવવા લાગી. એક દિવસ ડીલરે આ કારને લાંબો સમય પોતાની પાસે રાખી પરંતુ તે સંપૂર્ણ રીતે ઠીક કરવાનો કોઈ ઉપાય શોધી શક્યો નહીં. આખરે કાર માલિકે પોતાની મોંઘીદાટ કારને બાળી મૂકી. મિખાઈલે ભડભડ બળતી કારનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. અત્યાર સુધી  1,17,04,968 લોકો તેને જોઈ ચૂક્યા છે.

(4:49 pm IST)