Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કેશુભાઇની કોઠાસુઝને સલામઃ વિજયભાઇ

તેઓ કામમાં વધારે અને બોલવામાં ઓછુ માનતા, તેઓના વાકયો બ્રહ્મવાકયો ગણાતાઃ ભાજપ અને ગુજરાતે એક પીઢ નેતા ગુમાવ્યા

(અશ્વિનવ્યાસ) ગાંધીનગરઃ માજી મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલના પાર્થીવદેહને તેમના સેકટર-૧૯ ખાતેના નિવાસસ્થાને લાવવામાં આવ્યા. બપોેરે બે વાગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, મંત્રી મંડળના સભ્યો અને રાજયસભાના  સભ્ય નરહરી અમીને સહિતના આગેવાનોએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

આ તકે વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે હું પણ રાજકોટનો અને કેશુભાઇ પણ રાજકોટના છેલ્લા ઘણા વર્ષોથી મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. એમની કોઠાસુઝને સલામ કરવી પડે એ કામમાં વધારે અને બોલવામાં ઓછુ માનતા હતા અને જયારે પણ બોલતા ત્યારે તેમના વાકયો બ્રહ્મવાકયો ગણાતા. એમના નિધનથી પક્ષ અને રાજયએ એક પીઢ નેતા ગુમાવ્યા છે.  વિજયભાઇ અને નેતાઓ સચીવાલય ગયા હતા અને જયાં તેઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

મુખ્ય મંત્રીશ્રી એ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘ થી લઇ ને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા  સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.

કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. એમ મુખ્ય મંત્રીશ્રીએ સદગત કેશુભાઈના પ્રદાનની સરાહના કરતા જણાવ્યુ હતુ.

મુખ્ય મંત્રીશ્રી એ કહ્યું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

(4:03 pm IST)