Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પહેલી રસી બધા માટે કારગત નહીં નીવડે

વેકસીનની ફર્સ્ટ જનરેશન અપૂર્ણ હોવાની આશંકા બ્રિટનમાં વેકસીન ટાસ્ક ફોર્સની અધ્યક્ષ કેટ બીધમનું મોટું નિવેદન

નવી દિલ્હી તા. ર૯ :.. કોરોના રસી કેટલી અસરકારક હશે, કેટલા લોકો પર અસર કરશે ? આ બધા સવાલો વચ્ચે બ્રિટનમાં વેકસીન ટાસ્ક ફોર્સની અધ્યક્ષ કેટ બિંધમે  મંગળવારે કહયું હતું કે વેકસીનની ફર્સ્ટ જનરેશન કદાચ બધા માટે અસરકારક નહીં હોય. આપણે તેના માટે તૈયાર રહેવું જોઇએ. શકય છે કે આ રસી કોરોનાના લક્ષણોને અમુક હદ સુધી ઓછા કરે પણ તે મહામારી પર સંપૂર્ણપણે લગામ લગાવી દે એવું અત્યારે તો નથી દેખાતું.

ઓકસફર્ડ સહિતની ઘણી સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ પણ આ પ્રકારની શંકા વ્યકત કરી છે. લાન્સેર મેડીકલ જર્નલમાં બિંધમે લખ્યું કે વેકસીન ટાસ્કફોર્સનું માનવું છે કે વેકસીનની ફર્સ્ટ જનરેશન અપૂર્ણ અથવા યુટીપુર્ણ હોવાની શકયતા છે. જેટલી પણ રસીઓ દુનિયામાં તૈયાર થઇ રહી છે તેમાંથી ઘણી બધી નિષ્ફળ સાબિત થઇ શકે છે. એટલે આપણે બહુ આશાવાદી ન થવું જોઇએ.

વેકસીનની ફર્સ્ટ જનરેશન બધાને મળી જાય તેની પણ શકયતા બહુ ઓછી છે. અમને પણ ખબર નથી કે આ રસી અમને કયારેય મળશે કે નહીં. કેમ કે રસીની વૈશ્વિક ઉત્પાદન ક્ષમતા અબજો ડોઝ ઉત્પાદન કરવા માટે ઘણી ઓછી છે. તેમણે કહયું કે અમારી ચિંતા ફકત ૬પ વર્ષથી ઉપરના લોકોને બચાવવાની છે. (પ-૧ર)

પાંચ મોટી ચિંતાઓ

(૧) બ્રિટનમાં બ્રિસ્ટલ યુનિવર્સિટીના પ્રોફેસર એડમ ફીન અનુસાર, રસીને સૌથી પહેલા બનાવવાની હોડમાં આપણે ઘણી પ્રક્રિયાઓ છોડી રહ્યા છીએ. ઘણાં દેશો તરત આનું રસીકરણ કરવાના છે, જેની આડ અસરો સંભવ છે.

(ર) સેંકડો રસીઓ તૈયાર કરાઇ રહી છે તેમાંથી સૌથી સારી કઇ તે શોધવું મુશ્કેલ બનશે કેમ કે રસીઓની સંખ્યા ઘણી વધારે છે.

(૩) વૈજ્ઞાનિકો અનુસાર, અત્યારે બની રહેલી મોટાભાગની રસીઓ લક્ષણો ઓછા કરવામાં સફળ થયેલી જોવા મળી છે પણ સંક્રમણનો પ્રસાર રોકવામાં તે કેટલી કારગત નિવડશે તેનું પરીક્ષણ કરવાનું બાકી છે. એ મોટો પડકાર છે.

(૪) લંડન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે બ્રીટીશ લોકોમાં એન્ટી બોડી સતત ઘટી રહી છે. એટલે થોડા દિવસો પછી ફરીથી સંક્રમતિ થવાનું જોખમ છે. આવું વારંવાર થશે એટલે રસી કયારે આવશે અને કયારે લગાવાશે.

(પ) અત્યારે ફકત બુઝૂર્ગો માટે રસી શોધવાનું કામ ચાલી રહયું છે ત્યાર પછી બાળકો અને ગર્ભવતી મહિલઓ અને ખાસ પ્રકારના વર્ગો માટે રસી બનાવવાની છે, જેમાં ઘણો સમય લાગશે. ત્યાં સુધી સંક્રમણ વધવાની શકયતાઓ રહેલી છે.

(12:40 pm IST)