Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

હરેક દ્વાર સ્તબ્ધ છે... હરેક નજર છે ચૂપ... આ શેરી ને ચોક... આટલા બાપા વગરના ચૂપ

કેશુભાઇ પટેલનું મહાપ્રયાણ

ભાજપના ભીષ્મ પિતામહ... ખેડૂતોના મસીહા... સૌરાષ્ટ્રના કદાવર નેતા... ગોકુળિયા ગામના પ્રણેતા અને ગ્રામિણ સમૃદ્ધિના શિલ્પીની વસમી વિદાઇ :કોરાના સામે ૯ર વર્ષની વયે જંગ જીતેલા પૂર્વ મુખ્યમંત્રી હૃદયરોગના હુમલા સામે જિંદગી હારી ગયાઃ આજે સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાઃ પાર્થિવ દેહ ગાંધીનગરમાં દર્શનાર્થે રખાયા બાદ સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમવિધીઃ વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિતનાઓ દ્વારા શ્રદ્ધાંજલીઃ ખેડૂતપુત્ર તરીકે અને લોકસેવક તરીકે ગુજરાતમાં લોકચાહના મેળવી હતીઃ પાટીદાર આગેવાનના નિધનથી સમગ્ર ગુજરાત શોકમાં ડૂબ્યુ

રાજકોટ તા. ર૯ : ગુજરાતના રાજકારણમાં ભાજપના ભિષ્મપિતામહ તરીકે જાણીતા બબ્બે વખત મુખ્યમંત્રી તરીકે રહી ચુકેલા દિગ્ગજ નેતા શ્રી કેશુભાઇ સવદાસભાઇ પટેલનું આજે સવારે અચાનક ૯ર વર્ષની વયે દુઃખદ અવસાન થતા રાજયમાં ઘેરા શોકની લાગતી છવાઇ છે ૧ાા મહીના પહેલા તેમને કોરોના લાગુ પડેલ તેમાંથી તેઓ હેમખેમ બહાર આવી ગયા હતા. ત્યાર બાદ આજે સવારે અચાનક શ્વાસોશ્વાસમાં તકલીફ થતા ગાંધીનગર તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સ્ટર્લીંગ હોસ્પીટલમાં ખસેડાયેલ જયા થોડીવારની સારવાર બાદ હૃદયરોગના હુમલાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

શ્રી કેશુભાઇ પટેલ જનસંઘ વખતથીજ ભાજપના પાયાના પથ્થર હતા તેમનો જન્મ આજથી ૯ર વર્ષ પહેલા ર૪ જુલાઇએ વિસાવદરમાં થયેલ તેઓ ખંતિલા ખેડુત અને જાજરમાન જનસેવક હતા જનસંઘના માધ્યમથી કારકિર્દિની શરૂઆત કરેલ રાજયમાં સંસદ સભ્ય, ધારાસભ્ય રાજયસભાના સભ્ય બે વખત મુખ્યમંત્રી તરીકે રહેલ  ર૦૧રમાં તેમણે જી.વી.પી.ની સ્થાપના કરેલ ત્યારબાદ તે પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ કર્યું તેઓ જાહેર જીવનથી અલીપ્ત થયેલ થોડા વર્ષો પહેલા તેમના ધર્મપત્ની લીલાબેનનુ દુઃખદ અવસાન થયેલ.

તેમના પાંચ પુત્રો પૈકી એક માત્ર ભરત પટેલે રાજકીય વારસો સંભાળ્યો હતો સોનલબેન તેમના દિકરી છે. અને અમદાવાદના ડો.મયુર દેસાઇ તેમના જમાઇ છ.ે

કેશુભાઇએ ગુંડાગીરી સામે જેહાદ જગાવી તે વખતથી તેઓ લોકપ્રિય થયા હતા શિક્ષણ મર્યાદિત હોવા છતા કોઠાસુઝ અમર્યાદિત હતા.

૧૯૯પ અને ૧૯૯૮ એમ બે વખત અનુક્રમે ૮ મહીના અને બીજી વખત ૩ાા વર્ષ સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા હતા.

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં તેમને કોરોના થઇ જતા કોરોના થઇ જતા સ્ટર્લીંગ કોવિડ હોસ્પીટલમાં ખસેડાયા હતા જયા બે અઠવાડિયાની સારવાર બાદ તેમણે કોરોનાને હરાવ્યો હતો ત્યાર પછી તેઓ ગાંધીનગર પોતાના બંગલે હતા. પરંતુ સંપૂર્ણ સ્વસ્થતા ન હતી આજે સવારે ૮-૩૦ વાગ્યા આસપાસમાં તકલીફ સાથે ઓકસીજનમાં ઘટાડો જણાતા તેમને સ્ટર્લીંગ હોસ્પીટલ ખસેડાયેલ રસ્તામાંજ તેમની તબિયત વધુ લથડી હતી.

હોસ્પીટલમાં તેમને એકાદ કલાક સઘન સારવાર આપેલ પરંતુ કમનશીબે કારગત નિવડેલ નહી તેમણે અમદાવાદ હોસ્પીટલ ખાતેજ સદાને માટે આંખો મીચી લીધી હતી.આજે સાંજે પ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા યોજાશે.

ગાંધીનગર સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે.

વિસાવદર તેમની જન્મભૂમિ હતી રાજકોટમાં હાથીખાના અને એરપોર્ટ વિસ્તારમાં વર્ષો સુધી રહેતા છેલ્લા ત્રણ દાયકાથી ગાંધીનગરમાં સ્થાયિ થયા હતા. તેમના અવશાન અંગે સમાજના તમામ લોકોએ દુઃખની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી અર્પી છે.

ભાજપને ૧ર૭ બેઠકો અપાવવાનો બાપાનો વિક્રમ

રાજકોટઃ શ્રી કેશુભાઇ પટેલના નેતૃત્વમાં ૧૯૯પમાં રાજયમાં ભાજપની પ્રથમ સ્વતંત્ર સરકાર બનેલ તે વખતે ભાજપને ધારાસભાની ૧૮રમાંથી ૧ર૭ બેઠકો મળેલ ૧૯૯૮ માં ૧ર૧ બેઠકો મળી હતી ભાજપની સફળતાની બાબતમાં હજુ આ વિક્રમ વણતુટયો છે.

(3:22 pm IST)