Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

એક જ દિવસમાં ૫૦૦૦થી વધુ કેસ

તહેવારો શરૂ થતા જ દિલ્હીમાં કોરોનાએ ઉપાડો લીધોઃ ત્રીજી લહેર શરૂ થઇ??

નવી દિલ્હી, તા.૨૯: તહેવારોની સીઝનમાં દેશની રાજધાની દિલ્હી શું કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ઝપટમાં આવી ગઈ છે? આંકડા તો તે તરફ ઈશારો કરી રહ્યાં છે. બુધવારે પ્રથમવાર દિલ્હીમાં એક દિવસમાં સંક્રમણના ૫ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા નીતિ આયોગના સભ્ય વીકે પાલે જણાવ્યુ હતુ કે દિલ્હી, કેરલ અને પશ્ચિમ બંગાળ કોરોના સંક્રમણની ત્રીજી લહેર તરફ વધી રહી છે.

દિલ્હીમાં કોરોનાના નવા કેસ જુલાઈથી ઘટવા લાગ્યા હતા. એક સમયે તો એકિટવ કેસની સંખ્યા ૧૦ હજારની નીચે પહોંચી ગઈ હતી. ત્યારબાદ કોરોના સંક્રમણની બીજી લહેર શરૂ થઈ. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે લાગે છે કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર પણ પસાર થઈ ચુકી છે. પરંતુ હવે અચાનક પાછલા થોડા દિવસથી નવા કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હજુ સત્ત્।ાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ હાલના આંકડા ઈશારો કરી રહ્યાં છે કે દિલ્હીમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.

દિલ્હીમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં અચાનક તેજી આવી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ બુલેટિન પ્રમાણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-૧૯ના  ૫,૬૭૩ નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધી કોઈ એક દિવસમાં સંક્રમણના નવા કેસનો સૌથી મોટો આંકડો છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા ૩.૭ લાખને પાર થઈ ચુકી છે.

બુધવારે દિલ્હીમાં વધુ ૪૦  લોકોના મોત થયા છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૬૩૯૬ દર્દીઓના મૃત્યુ થયા છે. બુલેટિનમાં જણાવવામાં આવ્યું કે બુધવારના આંકડામાં ઓગસ્ટમાં થયેલા એક મોતની સંખ્યાને જોડવામાં આવી છે.

બુધવારે દિલ્હીમાં રેકોર્ડ ૫૬૭૩ કેસ સામે આવ્યા. એક દિવસ પહેલા મંગલવારે ૪૮૫૩ નવા કેસ સામે આવ્યા હતા. તો સોમવારે દિલ્હીમાં ૨૮૩૨ નવા કેસ નોંધાયા હતા.

(10:27 am IST)