Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભારત હુમલો કરશે એવા ડરને કારણે જ પાકિસ્તાને વિંગ કમાન્ડરને મુકત કર્યા'તા

અભિનંદનને નહિ છોડે તો રાત્રે ૯ વાગ્યે ભારત હુમલો કરશેઃ પાક સંસદમાં ખુલાસોઃ બાજવાના પગ કાંપતા હતા... ચહેરા પર હતો પરસેવોઃ ભારતનો આવો હતો ખોફ

નવી દિલ્હી, તા.૨૯: પાકિસ્તાનના બાલાકોટમાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર પાકિસ્તાન આર્મી અને ત્યાંની સરકાર ભલે હંમેશા સવાલ ઊભા કરતી રહી હોય પરંતુ પાકિસ્તાનની સંસદમાં આ વાતને લઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ભારત અને મોદી સરકારને લઈ કેવા પ્રકારનો ડરનો માહોલ હતો તેની જાણકારી પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફએ આપી છે.

પાકિસ્તાની સાંસદ અયાજ સાદિકે સંસદમાં દાવો કર્યો કે, મને યાદ છે મહમૂદ શાહ કુરૈશી એ બેઠકમાં હાજર હતા, જેમાં ઈમરાન ખાને આવવાનો ઇન્કાર કરી દીધો હતો. કુરૈશીના પગ ધ્રૂજી રહ્યા હતા, માથા પર પરસેવો હતો. મને કુરૈશીએ કહ્યું કે, આને (અભિનંદન વર્ધમાનને) હવે પરત મોકલી દો, કારણ કે ૯ વાગ્યે રાત્રે હિન્દુસ્તાન પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે.

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પાકિસ્તાનની સંસદમાં આ ખુલાસો કરતાં કહ્યું કે ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતના ડરના કારણે પાકિસ્તાને મુકત કર્યા હતા. આસિફે કહ્યું કે પાકિસ્તાન સરકારમાં ભારતને લઈ એ પ્રકારનો ડર ઊભો થયો હતો કે તેઓએ સમય ગુમાવ્યા વગર તાત્કાલિક અભિનંદન વર્ધમાનને મુકત કરી દીધા અને હિન્દુસ્તાનની સામે ઘૂંટણીએ પડી ગઈ. તેઓએ કહ્યું કે ભારતને ખુશ કરવા માટે અભિનંદન વર્ધમાને છોડવામાં આવ્યા હતા.

બીજી તરફ, પાકિસ્તાન અસેમ્બલીના પૂર્વ સ્પીકર અયાજ સાદિકે કહ્યું કે, જે સમયે ભારતના ફાઇટર પ્લેન પાયલટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને પોતાના કબજામાં લીધા હતા, તે સમયે બંને દેશોની વચ્ચે જે પ્રકારની સ્થિતિ હતી, તેના કારણે પાકિસ્તાન ખૂબ ડરી ગયેલું હતું. પાકિસ્તાનને એ વાતનો ડર હતો કે ભારત તેની પર હુમલો ન કરી દે. ભારતના હુમલાની આશંકાથી તે સમયે પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાના પગ ધ્રૂજી રહ્યા હતા અને ચહેરા પર પરસેવો આવી રહ્યો હતો.

આ મામલામાં હવે બીજેપીના પ્રવકતા સંબિત પાત્રાએ ટ્વિટ કરતાં રાહુલ ગાંધી  પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, રાહુલજી તમે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યા હતા ને? જરા જુઓ મોદીજીનો શું ડર છે પાકિસ્તાનમાં. સરદાર અયાજ સાદિક બોલી રહ્યા છે કે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીમાં પાકના ચીફ ઓફ આર્મી સ્ટાફના પગ ધ્રૂજી રહ્યા હતા અને ચહેરા પર પરસેવો હતો, કયાંક ભારત હુમલો ન કરી દે. સમજયા?

(10:26 am IST)