Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

હવે સરકારે જણાવ્યું આરોગ્ય સેતુ એપ કોણે બનાવી : એપથી કોઈ સંદેહ ના હોવો જોઈએ :માહિતી પંચની નોટીસ બાદ સ્પષ્ટિકરણ

લગભગ 21 દિવસના રેકોર્ડ સમયમાં વિકસિત થયેલ એપે COVID-19 મહામારીને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

નવી દિલ્હી: આરોગ્ય સેતુ એપ પર માહિતી પંચ સાથે વિવાદ પછી સરકાર તરફથી સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. સરકારે જણાવ્યું કે કોરોના વાયરસ સામે લડવા માટે રેકોર્ડ સમયમાં જાહેર-ખાનગી સહયોગથી આરોગ્ય સેતુ એપને તૈયાર કરાયુ. સાથે જ તેને ખૂબ જ પારદર્શક રીતે વિકસિત કરવામાં આવ્યું હતુ. સરકારે જણાવ્યું કે આરોગ્ય સેતુ એપને લગભગ 21 દિવસના રેકોર્ડ સમયમાં વિકસિત કરાયો હતો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આરોગ્ય સેતુ એપના સંબંધમાં કોઈ સંદેહ ના હોવું જોઇએ અને ભારતમાં COVID-19 મહામારીને રોકવામાં મદદ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય માહિતી પંચએ મંગળવારે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (NIC) પાસેથી જવાબ માંગ્યો. પંચે પુછ્યું કે જ્યારે આરોગ્ય સેતુ એપની વેબસાઇટ પર તેનું નામ છે, તો પછી તેની પાસે એપના ડેવલોપમેન્ટને લઇને ડિટેલ કેમ નથી? આયોગે આ સંબંધમાં પબ્લિક ઇન્ફોર્મેશન અધિકારીઓ (CPIOs)સહિત નેશનલ ઈ-ગવર્નેન્સ ડિવીઝન (NeGD),ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી તકનીક મંત્રાલય અને NICને કારણ દર્શાવો નોટિસ મોકલી છે. તેમને નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કરોડો લોકો ઉપયોગ કરી રહેલી આ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશનને લઇને દાખલ આરટીઆઈ અરજીનો સ્પષ્ટ જવાબ કેમ નથી અપાયો?

 

હકીકતમાં કોરોના વાઇરસ વચ્ચે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ઉપયોગ માટે કેન્દ્ર સરકાર તરફથી આરોગ્ય સેતુ એપને પ્રોત્સાહન અપાયું છે. જોકે હવે આરોગ્ય સેતુ એપની  વેબસાઇટ કહે છે કે તેને નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર અને આઈટી મંત્રાલયે ડેવલોપ કરી છે. પરંતુ આ એપને લઇને દાખલ આરટીઆઈમાં બંનેએ કહ્યુ છે કે તેમની પાસે આ અંગે કોઇ જાણકારી નથી કે આ એપ કોણે ડેવલોપ કરી છે.p

હવે માહિતી સંસ્થાએ સરકારના ‘ગોલમાલ જવાબ’ પર નોટિસ મોકલી છે. કમિશને જણાવ્યું છે કે ‘અધિકારીઓ દ્વારા માહિતી આપવાના ઇનકારને સ્વીકારવામાં આવશે નહીં.’ ઉલ્લેખનીય છે કે સમાજિક કાર્યકર્તા સૌરવ દાસે માહિતી પંચને ફરિયાદ કરી હતી કે ઘણા મંત્રાલયો એપ્લિકેશનના ડેવલોપમેન્ટ અંગે સ્પષ્ટ માહિતી આપતા નથી. માહિતી પંચે તમામ સંબંધિત એકમોને કારણદર્શક નોટિસ ફટકારી પૂછ્યુ છે કે ‘માહિતી આપવામાં અવરોધ ઉભો કરવો’ અને આરટીઆઈ અરજી પર ‘ગોલમાલ જવાબ આપવા’ના આરોપમાં તેમના પર પગલા કેમ લેવામાં ના આવે?

દાસે એપ્લિકેશનો પ્રારંભિક પ્રસ્તાવ, તેને મળેલી મંજૂરીની વિગતો, આ કામમાં સામેલ કંપનીઓ, વ્યક્તિઓ અને સરકારી વિભાગો વિશે માહિતી માંગી હતી. તેણે એપ્લિકેશન ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલા લોકો વચ્ચે માહિતીની આપ-લેની નકલો પણ માંગી હતી. જો કે તેમની અરજી બે મહિનાથી જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે ફરતી રહી.

કથિત રીતે NICએ વારંવાર કહ્યુ છે કે ‘એપના ક્રિએશન સંબંધિત જોડાયેલી બધી ફાઇલ સેન્ટર પાસે નથી.’ આઈટી મંત્રાલયે પછી આ આરટીઆઈ નેશનલ ઈ-ગવર્નેન્સ ડિવીઝનને મોકલી, તેણે કહ્યું કે ‘જે માહિતી માંગી છે, તે તેના વિભાગ સંબંધિત નથી.’

(12:00 am IST)