Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

એલ એન્ડ ટીનો ત્રિમાસિક નફો 45 ટકા ઘટ્યો :18 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત

કંપનીએ નફામાં ઘટાડા માટે કોરોના મહામારીની અસરોને જવાબદારી ગણાવી

મુંબઇઃ દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન લાર્સન-ટુર્બોએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. L&Tનો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 45 ટકા ઘટીને 1410.29 કરોડ થયો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 2551.67 કરોડ નફો કર્યો હતો. માર્કેટ એક્સપર્ટ્સે રૂ. 1230 કરોડના નફાની આશા રાખી હતી.

કંપનીએ નફામાં ઘટાડા માટે કોરોના મહામારીની અસરોને જવાબદારી ગણાવી છે. L&Tએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યુ છે કે, કોરોના મહામારીને કારણે તેની આવકમાં ઘટાડો થયો, ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસમાં વધારે જોગવાઇ અને મેટ્રો સેવાઓ અવરોધાતા ચોખ્ખા નફામાં વાર્ષિક તુલનાએ જંગી ઘટાડો નોંધાયો છે.

L&Tની સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ કોન્સોલિડેટેડ આવક પણ ઘટીને 31,593.77 કરોડ રૂપિયા નોંધાઇ છે જે વર્ષ પૂર્વે રૂ. 35,924 કરોડ હતી. અલબત કંપનીના સમિક્ષાધીન ક્વાર્ટરમાં કુલ ખર્ચ વર્ષ પૂર્વેના રૂ. 32,622 કરોડથી ઘટીને રૂ. 29,455 કરોડ થયો છે.

કંપનીએ ઇક્વિટી શેર દીઠ રૂ. 18ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.વિતેલા ક્વાર્ટરમાં કંપનીએ તેનો ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશન બિઝનેસ ફ્રાન્સની Schneider Electricvને ડાઇવેસ્ટ કર્યો છે.

કંપનીને રૂ. 12,148 કરોડની ઇન્ટરેશનલ રેવન્યૂ થઇ છે જે કુલ આવકમાં 39 ટકા યોગદાન આપે છે.

હાલ L&Tને રૂ. 28039 કરોડના ઓર્ડર મળ્યા છે. જો કે વર્ષ પૂર્વેની તુલનાએ 42 ટકા ઓછા છે અને તેનું કારણ છે કોરોના મહામારીના કારણે સર્જાયેલી અનિશ્ચિતતા. આમ તો ગ્રૂપની કોન્સોલિડેટેટ ઓર્ડર બૂક 30 સપ્ટેમ્બરના તે રૂ. 2,98,856 કરોડની હતી, જેમાંથી 24 ટકા ઓર્ડર વિદેશના હતા.

(12:00 am IST)