Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

ટ્રુડો ટાઢાબોળ : હવા નીકળી ગઇ : કરી ડાહી - ડાહી વાતો

સત્તાના નશામાં ટ્રુડો ભાન ભુલ્‍યા : બદનામ કરવાનો પ્રયાસ કરતા ભારતે ધોકો પછાડતા જ ધોતિયા ઢીલા થઇ ગયા : ભારતના વખાણ કર્યા : ભારત એક ઉભરતી તાકાત : અમે ભારત સાથે સારા સબંધો ઇચ્‍છીએ છીએ

નવી દિલ્‍હી તા. ૨૯ : ખાલિસ્‍તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્‍યા માટે ભારતને જવાબદાર ઠેરવ્‍યા બાદ કેનેડા અને ભારત વચ્‍ચેના સંબંધો ગંભીર તબક્કામાં પહોંચી ગયા છે. ભારતના કડક વલણ બાદ હવે કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડો નરમ પડ્‍યા છે. ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા ભારત સાથે ‘ગાઢ સંબંધો' બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

વડા પ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ જણાવ્‍યું હતું કે ગયા જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્‍યામાં ભારત સરકાર સામેલ હોવાના ‘વિશ્વસનીય આરોપો' હોવા છતાં, કેનેડા હજુ પણ ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મોન્‍ટ્રીયલમાં એક પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન, ટ્રુડોએ જણાવ્‍યું હતું કે તેઓ માને છે કે તે અત્‍યંત મહત્‍વપૂર્ણ' છે કે કેનેડા અને તેના સાથી દેશો ભારત સાથે ‘રચનાત્‍મક અને ગંભીરતાથી' સંકળાયેલા રહે તે જરૂરી છે. વિશ્વમંચ ઉપર ભારતનું મહત્‍વ વધી રહ્યું છે.

તેમણે કહ્યું, ‘ભારત એક વધતી જતી આર્થિક શક્‍તિ અને મહત્‍વપૂર્ણ ભૌગોલિક રાજકીય શક્‍તિ છે. અને જેમ કે અમે ગયા વર્ષે અમારી ઈન્‍ડો-પેસિફિક વ્‍યૂહરચના રજૂ કરી હતી, અમે ભારત સાથે ગાઢ સંબંધો બાંધવા માટે ખૂબ જ ગંભીર છીએ. અને દેખીતી રીતે, કાયદાના નિયમના દેશ તરીકે, અમારે એ વાત પર ભાર મૂકવાની જરૂર છે કે ભારતે એ સુનિશ્ચિત કરવા માટે કેનેડા સાથે કામ કરવાની જરૂર છે. કે આ બાબતની સંપૂર્ણ હકીકતો મેળવવામાં આવે.'

આ દરમિયાન નિજ્જરના મોત પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવનાર કેનેડાના પીએમ જસ્‍ટિન ટ્રુડોને અમેરિકા તરફથી મોટો ઝટકો લાગ્‍યો છે. હકીકતમાં, ટ્રુડોએ આશા વ્‍યક્‍ત કરી હતી કે યુએસ સેક્રેટરી ઓફ સ્‍ટેટ એન્‍ટની બ્‍લિંકન તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન નિજ્જરની હત્‍યાનો મુદ્દો ઉઠાવશે. પરંતુ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બ્‍લિંકનની મુલાકાત અંગે અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં નિજ્જર અને કેનેડાનો કોઈ ઉલ્લેખ નથી.

૧૮ જૂનના રોજ ૪૫ વર્ષીય ખાલિસ્‍તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને બ્રિટિશ કોલંબિયામાં ઠાર કરવામાં આવ્‍યો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ થોડા દિવસો પહેલા વિસ્‍ફોટક આરોપો લગાવતા કહ્યું હતું કે નિજ્જરની હત્‍યામાં ભારતીય એજન્‍ટોની ‘સંભવિત' સંડોવણી સામે આવી છે. ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્‍ચે તણાવ વધી ગયો છે. ભારતે ૨૦૨૦માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

ભારતે ટ્રુડોના આરોપોને ‘વાહિયાત' અને ‘પ્રેરિત' ગણાવીને ફગાવી દીધા હતા અને આ બાબતે એક ભારતીય અધિકારીની ઓટ્ટાવા દ્વારા હકાલપટ્ટીના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્‍યા હતા. ધ વેસ્‍ટ બ્‍લોક પર રવિવારે પ્રસારિત થયેલ એક મુલાકાત. સંરક્ષણ પ્રધાન બ્‍લેરે ભારત સાથેના સંબંધોને ‘મહત્‍વપૂર્ણ' ગણાવ્‍યા હતા. અને કહ્યું કે કેનેડા તે ભાગીદારી ચાલુ રાખશે જયાં સુધી આરોપોની તપાસ ચાલુ રહેશે

(11:10 am IST)