Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નાદુરસ્ત તબિયતના આધારે આરબી શ્રીકુમારને ૧૫ નવેમ્બર સુધી જામીન

ગુજરાતને બદનામ કરવાના કેસમાં કાર્યવાહી : આર.બી.શ્રીકુમારની આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ગઈ હોવાથી પોતાની રેગ્યુલર જામીન અરજી પાછી ખેંચી

અમદાવાદ, તા.૨૯ : ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રના ચકચારભર્યા કેસમાં તિસ્તા શેતલવાડ અને આર.બી.(રમણ પિલ્લાઇ ભાસ્કરન નાયર)શ્રીકુમારની જામીન અરજીની સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાઇ હતી. જો કે, તિસ્તાની જામીન અરજીની વધુ સુનાવણી હાઇકોર્ટે વેકેશન બાદ મુકરર કરી હતી. જયારે આર.બી.શ્રીકુમારને હાઇકોર્ટે નાદુરસ્ત તબિયતના ગ્રાઉન્ડ પર તા.૧૫ નવેમ્બર સુધીના હંગામી જામીન આપ્યા હતા.

તિસ્તા તરફથી કરાયેલી જામીનઅરજીમાં આજે એવી રજૂઆત કરાઇ હતી કે, આ કેસમાં તપાસનીશ એજન્સી દ્વારા ચાર્જશીટ ફાઇલ થઇ ગયુ હોવાછતાં હજુ સુધી તેને ચાર્જશીટની નકલ પૂરી પાડવામાં આવી નથી, જેથી હાઇકોર્ટે તિસ્તાને ચાર્જશીટની નકલ પૂરી પાડવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો. દરમ્યાન આર.બી.શ્રીકુમારની જામીન અરજીની સુનાવણી દરમ્યાન આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ગયુ હોવાથી આર.બી.શ્રીકુમારે પોતાની રેગ્યુલર જામીન અરજી પાછી ખેંચી લીધી હતી અને નાદુરસ્ત તબિયત અને વૃધ્ધાવસ્થાની ઉમંરના કારણસર હંગામી જામીન આપવા હાઇકોર્ટને વિનંતી કરી હતી, જે વિનંતી ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે તા.૧૫ નવેમ્બર સુધી શ્રીકુમારના હંગામી જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટે શ્રીકુમારને રૃ.દસ હજારના બોન્ડ પર તા.૧૫મી નવેમ્બર સુધીના જામીન આપ્યા હતા. હાઇકોર્ટે એક સપ્તાહમાં પાસપોર્ટ જમા કરાવવા અને વચગાળાના જામીનની મુદત પૂર્ણ થયા બાદ જેલ ઓથોરીટી સમક્ષ સરન્ડર થઇ જવા પણ હુકમમાં સ્પષ્ટ તાકી કરી હતી.

 

 

 

(7:20 pm IST)