Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

આજે સેનિટરી પેડ્‍સ માગો છો, કાલે જીન્‍સ, ચંપલ અને કોન્‍ડોમ પણ માગશો..?

આઈએએસ અધિકારી હરજોત કૌરે શું માગણીઓનો કોઈ અંત છે તેવો સવાલ કરીને લોકોને સરકાર પાસેથી વસ્‍તુઓ લેવાની જરૂર જ શા માટે છેઃ તે ખોટી માનસિકતા છે તેમ કહ્યું હતુ

પટના, તા.૨૯: સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા આઈએએસ અધિકારી લોકોની સરકાર પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ અંગે ટિપ્‍પણી કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીનીઓ બિહાર મહિલા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્‍ટર પાસે વિદ્યાર્થીનીઓને ફ્રીમાં સેનિટરી પેડ્‍સ આપવામાં આવે તેવી રજૂઆત કરી રહી છે. તે સમયે આઈએએસ અધિકારી હરજોત કૌરે શું માગણીઓનો કોઈ અંત છે તેવો સવાલ કરીને લોકોને સરકાર પાસેથી વસ્‍તુઓ લેવાની જરૂર જ શા માટે છે, તે ખોટી માનસિકતા છે તેમ કહ્યું હતું.

વિદ્યાર્થીનીએ તેમને સવાલ કર્યો હતો કે, ‘સરકાર ઘણો બધો સામાન મફતમાં આપી રહી છે. શું તેમને ૨૦-૩૦ રૂપિયાના સેનિટરી પેડ ન આપી શકે? વિદ્યાર્થીની આ પ્રકારની માગણીનું કારણ તેમણે કોઈના પર નિર્ભર ન રહેવું પડે તે હતું. ત્‍યારે હરજોત કૌરે તે અંગે -તિક્રિયા આપતાં કહ્યું હતું કે, આજે સેનિટરી પેડ માગી રહ્યા છો, કાલે તમે કોન્‍ડોમ માગશો.

હરજોત કૌરે કહ્યું હતું કે, શું માગણીઓનો કોઈ અંત છે? કાલે તમે કહેશો કે સરકાર જીન્‍સ અને સુંદર ચંપલ આપી શકે છે. જ્‍યારે પરિવાર નિયોજનની વાત આવે છે ત્‍યારે તમને મફત કોન્‍ડોમ પણ જોઈએ છે. તમને સરકાર પાસેથી વસ્‍તુઓ લેવાની જરૂર શા માટે છે? આ ખોટી વિચારસરણી છે.

વિદ્યાર્થીનીએ જ્‍યારે આ પ્રકારની માગણી કરી ત્‍યારે ત્‍યાં ઉપસ્‍થિત લોકોએ તેને તાળીઓથી વધાવી લીધી હતી. પરંતુ મહિલા અધિકારીએ આના પર તાળીઓ વાગી રહી છે પરંતુ શું આ માગણીઓનો કોઈ અંત છે તેવો સવાલ કર્યો હતો. સાથે જ સરકારની ઘણી યોજનાઓ છે પરંતુ આ પ્રકારની સરકાર પાસેથી મેળવવાની વિચારસરણી ખોટી છે તેમ જણાવ્‍યું હતું.

મહિલા અધિકારીની આ પ્રકારની પ્રતિક્રિયા બાદ વિદ્યાર્થીનીઓએ સરકાર ચૂંટણી દરમિયાન મત માટે ઘણું બધું કરવાના વચનો આપતી હોય છે તે યાદ અપાવ્‍યું હતું. જોકે હરજોત કૌરે તરત જ ‘મત ન આપો. પાકિસ્‍તાન બની જાઓ.' તેમ કહીને વિદ્યાર્થીનીઓને શાંત પાડી દીધી હતી.  હરજોત કૌરે બાદમાં એમ પણ કહ્યું હતું કે, હું મહિલાઓના અધિકારો અને સશક્‍તિકરણના સૌથી અગ્રણી ચેમ્‍પિયન્‍સમાંથી એક તરીકે ઓળખાઉં છું. WCDC દ્વારા જે શરારતી તત્‍વો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેઓ હવે મારી પ્રતિષ્ઠાને ધૂળધાણી કરવા પ્રયત્‍ન કરી રહ્યા છે.

(4:09 pm IST)