Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભારતમાં કેનેડાના નાગરિકોને પંજાબ, રાજસ્‍થાન અને ગુજરાત જેવા સરહદી રાજ્‍યોમાં ન જવા સલાહ : સુરક્ષાનું જોખમ

હવે કેનેડાએ જાહેર કરી એડવાઇઝરી

ટોરેન્‍ટો તા. ૨૯ : કેનેડાએ ભારતમાં મુસાફરી કરી રહેલા તેના નાગરિકોને પંજાબ, રાજસ્‍થાન અને ગુજરાત જેવા સરહદી રાજયોમાં ન જવાની સલાહ આપી છે. કેનેડાની સરકારે કહ્યું છે કે, આ વિસ્‍તારોમાં ભૂગર્ભ વિસ્‍ફોટકો અને સુરક્ષાનું જોખમ છે. કેનેડાએ તેના નાગરિકોને જાહેર કરેલી એડવાઈઝરીમાં કહ્યું છે કે, પાકિસ્‍તાનની સરહદથી ૧૦ કિલોમીટર સુધીના વિસ્‍તારોમાં ન જાવ. ગુજરાત, રાજસ્‍થાન અને પંજાબના આ વિસ્‍તારો લેન્‍ડમાઈન અને વિસ્‍ફોટકો માટે સંવેદનશીલ છે. અહીં સુરક્ષા માટે ગંભીર ખતરો હોઈ શકે છે. કેનેડાની આ સલાહ ચોંકાવનારી છે.

કેનેડામાં નફરતના અપરાધની સંભાવનાને લઈને સરકાર દ્વારા ભારતીયોને આપવામાં આવેલી સલાહના જવાબમાં આ પગલું લેવામાં આવ્‍યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેથી કેનેડા સરકારના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. કેનેડા સરકારે ૨૭ સપ્‍ટેમ્‍બરે તેની વેબસાઈટ પર જારી કરેલી એડવાઈઝરીમાં કહ્યું છે કે, ભારતની મુલાકાત વખતે તેઓએ સમગ્ર દેશમાં સાવચેતીપૂર્વક મુસાફરી કરવી જોઈએ. કેનેડાએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે, ભારતના દરેક વિસ્‍તારમાં આતંકવાદી હુમલાનો ખતરો છે. જોકે લદ્દાખને તેમાંથી બહાર રાખવામાં આવ્‍યું છે.

મહત્‍વનું છે કે, કેનેડાએ તેના નાગરિકોને જરૂર સિવાય મણિપુર અને આસામ જેવા પૂર્વોત્તર રાજયોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. કેનેડાએ કહ્યું કે, આ બંને રાજયોમાં આતંકવાદ અને વિદ્રોહી હુમલાનું જોખમ છે. હકીકતમાં ૨૩ સપ્‍ટેમ્‍બરે જ ભારત સરકારે કેનેડામાં રહેતા તેના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી અને નફરત અપરાધ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓને ધ્‍યાનમાં રાખીને સાવચેત રહેવાની સલાહ આપી હતી. એવું માનવામાં આવે છે કે, આ એડવાઈઝરી બાદ કેનેડાએ તેના જવાબમાં આ આદેશ જાહેર કર્યો છે.

(11:53 am IST)