Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સોનું ખરીદનાર ગ્રાહકને ગુણવત્તાની જાણકારી ઓનલાઈન જ મળી રહેશે

ગ્રાહકને મળશે અનોખી સુવિધા : બીઆઇએસની સાઇટ પર HUID નંબર નાખી ગ્રાહક તમામ માહિતી મેળવી શકશેઃ જવેલરી ખરીદી કરનારાઓને શુદ્ધ જવેલરી મળી રહે તે માટે નજીકના દિવસોમાં સિસ્‍ટમ શરૂ કરાશેઃ બીઆઇએસની સાઇટ પર તમામ ડેટા ઉપલબ્‍ધ

નવી દિલ્‍હી,તા. ૨૯ :જવેલરી ખરીદી કરનારાઓને શુદ્ધ ધાતુના દાગીના મળી રહે તે માટે જવેલરી પર હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવ્‍યુ છે. જેનો લાભ દેશભરના ગ્રાહકોને મળી રહ્યો છે. હવે સરકાર તેમા વધુ ચોકસાઇ લાવવાનો પ્રયાસ કરી રહી છે. હોલમાર્કિંગ સેન્‍ટર પર જવેલરીની શુદ્ધતા પારખવા માટે જે મશીનરી પર મુકવામાં આવશે તે મશીન પરજ એવી સિસ્‍ટમ ગોઠવવામાં આવશે કે જવેલરીની તમામ માહિતી મશીનથીજ ડાયરેક્‍ટ બીઆઇએસની સાઇટ પર આપોઆપ અપડેટ થઇ જશે.

જવેલરી ખરીદી કરનારા ગ્રાહકો સાથે છેતરપિંડી નહી થાય અને તેઓને શુદ્ધ ધાતુની જવેલરી મળી રહે તે માટે કેન્‍દ્ર સરકાર દ્વારા જવેલરી પર બીઆઇએસ હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવ્‍યુ છે. જે માટે તમામ જવેલરીની હોલમાર્કિંગ સેન્‍ટરમાં ટેસ્‍ટિંગ કરવામાં આવે છે. સેન્‍ટરમાં જવેલરી પર વિવિધ પ્રોસેસ કરી જવેલરીમાં કેટલાક ટકા ગોલ્‍ડ, સિલ્‍વર કે અન્‍ય ધાતુઓ છે તે તમામ ડેટા તૈયાર કરવામાં આવે છે. ટેસ્‍ટિંગ બાદ છ પ્રત્‍યેક જવેલરીનું એક એચયુઆઇડી નંબર જનરેટ કરવામાં આવે છે જે લેઝર વડે જવેલરી પર લખવામાં આવે છે અને તેની માહિતી બીઆઇએસની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. હાલ સુધીની વ્‍યવસ્‍થામાં મશીન પર જવેલરીની ટેસ્‍ટિંગ પછી ડેટા અપડેટ કરવામાં આવતા હતા. જેમાં જવેલરીની માહિતીમાં ફેરફાર કરવાની સંભાવના હતી. પરંતુ સરકાર આ દિશામાં પણ ચોકસાઇ લાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં હોલમાર્કિંગ સેન્‍ટરમાં જે મશીન પર ટેસ્‍ટિંગ કરવામાં આવશે ત્‍યાંજ એવી સિસ્‍ટમ ગોઠવવામાં આવશે કે તે સમયેજ તમામ ડેટા ડાયરેક્‍ટ બીઆઇએસના વેબસાઇટ પર અપલોડ થઇ જશે. જેમાં ફેરફાર કરવાની સંભાવના નહીં રહેશે. ગ્રાહક બીઆઇએસની વેબસાઇટ પર એચયુઆઇડી નંબર નાખી તેમની જવેલરીની તમામ માહિતી મેળવી શકશે. જવેલર્સનું કહેવુ છે કે નવી વ્‍યવસ્‍થા શરુ થવાથી જવેલરી ખરીદી કરનારાઓને તેમની જવેલરીની તમામ સાચી માહિતીઓ મળી રહેશે અને છેતરપિંડી ઘટશે.

(10:24 am IST)