Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

લાકડાં અને મજૂરીના ભાવ વધતાં ઘર-ઓફિસોમાં ફર્નિચર બનાવવું મોંઘુ

બે વર્ષ અગાઉ જે નાના-મોટા કામકાજ માટે રૂા. ૨૫૦થી ૩૦૦ મજૂરી ચૂકવવી પડતી તે લગભગ દોઢી થઇ છેઃ સુથારી કામની દિવસની રૂા. ૬૦૦થી ૬૫૦ મજૂરીમાં રૂા. ૫૦થી ૧૦૦ સુધીનો વધારો થયો છે : અગાઉ વલસાડી સાગ અને બર્મા લાકડાંના ભાવ અનુક્રમે પ્રતિ ઘનફૂટ રૂા. ૫૨૦૦ અને રૂા. ૨૮૦૦ આસપાસ હતોઃ લાકડાના ભાવમાં પ્રતિ ઘનફૂટ અનુક્રમે રૂા. ૫૫૦૦ અને રૂા. ૩૨૦૦ની આસપાસ થયો છે

મુંબઇ,તા.૨૯: બે વર્ષ બાદ લોકો આ દિવાળીએ ઘર સજાવટ અને સુશોભન પાછળ ખર્ચ કરવા તૈયાર થયા છે. પરંતુ અસહ્ય મોંઘવારીને લીધે ઘણા લોકો પૂર્ણ સમારકામ કે નવીનતમ ફર્નિચરની ખરીદી કરવાનું ટાળીને ઓફિસ-ઘરમાં જરૂરીયાત પુરતું સમારકામ કે સસ્‍તી કિંમતની તૈયાર ચીજવસ્‍તુઓથી કામ ચલાવી લેવાનું મન બનાવતા હોય તેવું પ્રકાશમાં આવ્‍યું છે. આમ બનવાનું કારણ ફર્નિચર તૈયાર કરાવવા પાછળ ચૂકવવી પડતી મજૂરીના દરમાં અને લાકડાં સહિતના કાચામાલના ભાવમાં વધારો થયો છે.'

લગભગ દરેક ચીજવસ્‍તુઓના ભાવ વધવા પાછળ ઇંધણમાં થયેલો ભાવવધારો જવાબદાર છે. ઇંધણમાં થયેલા ભાવવધારાની અસર કાચામાલ પર પડી છે. બે વર્ષ અગાઉ જે નાના-મોટા કામકાજ માટે રૂા. ૨૫૦થી ૩૦૦ મજૂરી ચૂકવવી પડતી તે લગભગ દોઢી થઇ છે. સુથારી કામની દિવસની રૂા. ૬૦૦થી ૬૫૦ મજૂરીમાં રૂા. ૫૦થી ૧૦૦ સુધીનો વધારો થયો છે. વલસાડી સાગ અને બર્માના લાકડાંના ઘન ફૂટે રૂા. ૩૦૦થી ૩૫૦નો વધારો થયો છે. જેના કારણે ફર્નિચર બનાવવાનું કામ મોંઘું બન્‍યું છે.''

નીધી હાર્ડવેરના વેપારી મહેશભાઈ મિષાી જણાવે છે કે, ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ દરેક કંપનીના કલરોમાં રૂપિયા ૧૫થી ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. જેથી તેની સીધી અસર ગ્રાહકો પર જોવા મળી છે. ગત વર્ષની સરખામણીએ કારીગરોએ ચાલુ વર્ષે મજુરીના દરમાં રૂપિયા ૫૦થી ૧૦૦નો વધારો કર્યો છે.'

ફર્નિચરના પરેશભાઈ જૈન કહે છે કે, દરેક પ્રકારના કાચામાલમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. એક બાજુ લોકો દિવાળીના તહેવાર પહેલા કામકાજ કરાવવા ઉતાવળા થયા છે. બીજી તરફ કારીગરોની ભીંસ વર્તાઇ છે. કારીગરોએ મોંઘવારીને લીધે મજૂરી દર વધાર્યા છે. નાનુ-મોટું કામની મજૂરીના દર રૂા. ૬૦૦થી વધીને ૭૫૦ની આસપાસ થયા છે. તો કોતરણી કામની દૈનિક મજૂરી રૂા. ૧ હજારની આસપાસ હોય છે તેમાં પણ રૂા. ૧૦૦નો વધારો કારીગરોએ કરી દીધો છે. અગાઉ વલસાડી સાગ અને બર્મા લાકડાંના ભાવ અનુક્રમે પ્રતિ ઘનફૂટ રૂા. ૫૨૦૦ અને રૂા. ૨૮૦૦ આસપાસ હતો. લાકડાના ભાવમાં પ્રતિ ઘનફૂટ અનુક્રમે રૂા. ૫૫૦૦ અને રૂા. ૩૨૦૦ની આસપાસ થયો છે.''

કોરોના મહામારીના બે વર્ષ બાદ લોકો દિવાળી અને અન્‍ય તહેવારોની ઉજવણી માટે આતૂર છે ત્‍યારે લોકોને ઉજવણી કરવી મોંઘી થઇ પડી છે. ઘર અને ઓફિસમાં સજાવટ મોંઘી બની છે. જે લોકો ફર્નિચર તૈયાર કરાવવું મોંઘું લાગી રહ્યું છે તેવા લોકોએ તૈયાર ફર્નિચરની વાટ પકડી છે. જોકે તૈયાર ફર્નિચર પણ અગાઉ કરતાં ૨૫થી ૩૦ ટકા મોંઘું બન્‍યું છે. સામાન્‍ય સીટીંગ અને રીવોલ્‍વીંગ ખુરશીના ભાવ અનુક્રમે રૂા.૫૦૦થી ૩૦૦૦ની આસપાસ હતા તે આ વધીને રૂા. ૮૦૦થી ૪૦૦૦ જેટલા થયા છે. ઓફિસ અને ઘરમાં બેસવા માટે ઉપયોગમાં લેવામાં આવતા તૈયાર સોફાના ભાવમાં પણ ૨૫થી ૩૦ ટકા સુધીનો વધારો થયો છે.

(10:23 am IST)