Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

બળવાખોર ધારાસભ્યોએ કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા

ટૂંકમાં જ મુંબઈ પહોંચવા એકનાથ શિંદેનો દાવો : એકનાથ શિંદેએ ૫૦ ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો છે તો આ મુદ્દે રાજકીય નિવેદનોનો મારો પણ ચરમસીમા પર છે

ગુવાહાટી,તા.૨૯ : શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મંગળવારે જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં મુંબઈ પહોંચી જશે. આ પહેલા આજે તેઓ ગુવાહાટીના મંદિરમાં નજર આવ્યા હતા. તેમણે આજે કેટલાક બળવાખોર ધારાસભ્યોની સાથે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા હતા.

 તેઓ એક સપ્તાહ કરતા પણ વધુ સમયથી આજ શહેરની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે.

તમને જણાવી દઈએ કે, બીજેપીએ કાલે જ ગવર્નર પાસે ફ્લોર ટેસ્ટની માંગણી કરી હતી. મંગળવારે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ફડણવીસે રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમત સાબિત કરવા કહે. બીજી તરફ એકનાથ શિંદેએ ૫૦ ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો છે તો આ મુદ્દે રાજકીય નિવેદનોનો મારો પણ ચરમસીમા પર છે.

આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, અમે રાજ્યપાલને એક પત્ર સોંપ્યો છે જેમાં તેમને સરકારને સદનમાં બહુમત સાબિત કરવા માટે કહેવા વિનંતી કરી છે. રાજભવનમાં ફડણવીસની સાથે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપા અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ અને પાર્ટી નેતા સુધીર મુંગટીવાર, પ્રવીણ દારેકર, ગિરીશ મહાજન અને આશીષ શેલાર પણ હતા.

 

(8:09 pm IST)