Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ખુરશી ખતરામાં પડી તો ઉદ્ધવ ઠાકરેને યાદ આવ્યું હિન્દુત્વ :ફટાફટ શહેરોના નામ બદલવાનો નિર્ણય

મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઓસ્માનાબાદનું નામ ધારાશીવ અને નવી મુંબઈ એરપોર્ટનું નામ DB પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવાની કેબિનેટની મંજૂરી: રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારનો મોટો નિર્ણય

મુંબઈ : સતા પર સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે ઔરંગાબાદ શહેરનું નામ 'સંભાજીનગર' રાખવાને મંજૂરી આપી છે. ઉસ્માનાબાદ શહેરનું નામ ધારાશિવ કરી દેવામાં આવ્યું છે. નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલીને સ્વર્ગીય ડીબી પાટિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાખવાને મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે ઔરંગાબાદ શહેરનું નામ બદલવાને લઈને લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી. સૂત્રો પ્રમાણે કેબિનેટની બેઠક દરમિયાન ઘણા મંત્રીઓએ નામ બદલવાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. 

મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય તેવા સમયમાં લીધો છે જ્યારે રાજ્યપાલે ગુરૂવારે ફ્લોર ટેસ્ટનો સામનો કરવાનું કહ્યું છે. પરંતુ શિવસેનાએએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જો સર્વોચ્ચ કોર્ટ પક્ષમાં નિર્ણય નહીં આપે તો ઉદ્ધવ ઠાકરેએ ખુરશી ગુમાવવી પડે છે. આ વચ્ચે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે, તમે અઢી વર્ષ મારો સહયોગ કર્યો, તે માટે આભારી છું. આ અઢી વર્ષમાં મારાથી ભૂલ થઈ હોય, અપમાન થયું હોત તો માફી ઈચ્છુ છું.

ઉદ્ધવ કેબિનેટની બેઠકમાં કોંગ્રેસે પુણેનું નામ બદલવાની માંગ કરી હતી. કોંગ્રેસે પુણેનું નામ બદલીને જીજાઉ નગર રાખવાની માંહ કરી હતી. નોંધનીય છે કે જીજાઉ છત્રપતિ શિવાજીના માતા જીજાભાઈનું નામ છે

નોંધનીય છે કે 8 જૂને ઔરંગાબાદમાં શિવસેનાની રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે શહેરનું નામ બદલવામાં આવશે. ઔરંગાબાદનું નામ બદલવાને લઈને લાંબા સમયથી રાજનીતિ થઈ રહી છે. ઠાકરેનો આ નિર્ણય ત્યારે લીધો છે જ્યારે તેની સરકાર સંકટમાં છે. જે ધારાસભ્યોએ બળવો કર્યો છે તેણે પણ આ કારણ દર્શાવ્યું છે કે ઉદ્ધવ હિન્દુત્વના માર્ગથી ભટકી ગયા છે. તેવામાં આ નિર્ણયને ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.  . 

(7:07 pm IST)