Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

બળાત્‍કાર પીડિતા વિરોધ ના કરે તો પણ તેને સંમતિ માની શકાય નહીં : પટના હાઇકોર્ટ

જમુઇ સ્‍થિત ઇંટના ભઠ્ઠામાં કામ કરતી મજૂર પર માલિક ઇસ્‍લામ મિયાંએ બળાત્‍કાર ગુજાર્યો હતો

પટના, તા.૨૯: પટના હાઈકોર્ટે મંગળવારે બળાત્‍કારની એક ઘટનાના ચૂકાદામાં મહત્‍વપૂર્ણ ટીપ્‍પણી કરી છે, જેના દૂરગામી પરિણામો આવી શકે છે. પટના હાઈકોર્ટે કહ્યું કે કોઈ પીડિતા બળાત્‍કાર સમયે વિરોધ ના કરે તો પણ તેનો અર્થ એ નથી કે તેણે જાતીય સંબંધ બનાવવા માટે સંમતી આપી હતી.

બળાત્‍કારની આ ઘટના ૨૦૧૫ની છે, જેમાં પીડિતા પર એક રૂમમાં બળાત્‍કાર ગુજારાયો હતો. આ કેસમાં નીચલી કોર્ટના ચૂકાદાને દોષિત ઈસ્‍લામ મિયાં ઉર્ફ મો. ઈસ્‍લામે પટના હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, ઈસ્‍લામની અરજી નકારી કાઢતા ન્‍યાયાધીશ એએમ બદરની સિંગલ બેન્‍ચે કહ્યું કે, આઈપીસીની કલમ ૩૭૫ની જોગવાઈ મુજબ બળાત્‍કાર વખતે શારીરિકરૂપે વિરોધ નહીં કરવાને જાતીય પ્રવૃત્તિ માટે સંમતી માની શકાય નહીં.

ઈસ્‍લામ મિયાંએ એવો તર્ક રજૂ કર્યો હતો કે, પીડિતાને કોઈ શારીરિક ઈજા થઈ નહોતી અને તેણે શારીરિક વિરોધ પણ નહોતો કર્યો, તેથી તેની સંમતિથી આ સંબંધ બનાવાયો હતો. જોકે, નીચલી કોર્ટ તેમજ હાઈકોર્ટે તેની દલીલ નકારી કાઢી છે.

પીડિતા બળાત્‍કારના આરોપી ઈસ્‍લામ મિંયાના જમુઈ સ્‍થિત ઈંટ-ભઠ્ઠામાં કામ કરતી મજૂર હતી. તેણે ૯મી એપ્રિલ ૨૦૧૫ના રોજ માલિક ઈસ્‍લામ મિંયા પાસેથી મજૂરી માગી હતી. જોકે, તેણે મજૂરી પાછળથી આપવાની વાત કરી હતી. પીડિતા રાતે ઘરમાં ખાવાનું બનાવતી હતી ત્‍યારે દોષિત ઇસ્‍લામ મિંયા જબરજસ્‍તીથી તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેને ઢસડીને એક રૂમમાં લઈ જઈ તેના પર બળાત્‍કાર ગુજાર્યો હતો. જોકે, તેણે બૂમાબૂમ કરતા ગામવાળા એકત્ર થઈ ગયા હતા.

તેમણે દોષિત ઈસ્‍લામ મિંયાને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્‍યાર પછી તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. નીચલી કોર્ટે તેને દોષિત ઠેરવતા ૧૦ વર્ષની કેદની સજા સંભળાવી હતી. ઈસ્‍લામ મિંયાએ આ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

(10:55 am IST)