Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

દેશના ઇતિહાસમાં આ ઘટના સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે : રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવા સંસદ ભવનના ઉદ્‌ઘાટનને બિરદાવતા ભારતના રાષ્‍ટ્રપતિ

નવી દિલ્‍હી,તા. ૨૯:  નવા સંસદ ભવનનું વડાપ્રધાનના હસ્‍તે ઉદ્‌ઘાટન કરાયું હતું. જેને રાષ્‍ટ્રપતિએ બિરદાવ્‍યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે વડા પ્રધાન મોદી દ્વારા નવા સંસદભવનના ઉદઘાટનનું સ્‍વાગત કર્યું હતું. સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે પાઠવેલા પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના ઈતિહાસમાં એને સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તેમણે ઉમેર્યું કે દેશ માટે આ ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે.

સંસદભવનના ઉદઘાટન પ્રસંગે રાજયસભાના ઉપાધ્‍યક્ષ હરિવંશ નારાયણ સિંહે રાષ્ટ્રપતિનો સંદેશો વાંચી સંભળાવતા કહ્યું, મને ખૂબ જ સંતોષ છે કે નવી સંસદનું ઉદઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્‍યું છે, જે સંસદમાં વિશ્વાસનું પ્રતિક છે.

તેમણે કહ્યું, નવું સંસદ ભવન આપણી લોકશાહીની યાત્રામાં એક મહત્‍વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. મુર્મુએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન દેશવાસીઓના હૃદયમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીને મજબૂત કરશે. નવા સંસદ ભવનના નિર્માણમાં સામેલ તમામ લોકોના કાર્યની પ્રશંસા કરતા મુર્મુએ કહ્યું કે તેમના પ્રયાસો અને યોગદાન દેશના લોકોના હૃદય અને દિમાગમાં રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ, NCP સહિત ૧૯ થી વધુ વિરોધપક્ષોએ નવા સંસદ ભવનનાં ઉદઘાટન સમારંભનો બહિષ્‍કાર કર્યો હતો. આ પક્ષોએ વડાપ્રધાનને બદલે રાષ્ટ્રપતિ દ્વારા ઉદઘાટન કરવામાં આવે તેવી માંગ કરી હતી.

(4:40 pm IST)