Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ટેક્ષ કલેકશન મબલખ છે : આયકર ૪૦%થી ઘટાડી ૨૫% કરો

ટેક્ષચોરી રોકવી હોય તો ઇન્કમટેક્ષનો રેટ ઘટાડવો પડશે : ભારત અમીર દેશ નથી છતાં ટેક્ષ કલેકશન વધુ છે : અર્થશાસ્ત્રી ભલ્લા : ટેક્ષ સ્ટ્રકચર બદલવું જરૃરી : કોર્પોરેટ ટેક્ષનો દર ૨૫ ટકા છે અને એ જ દર ઇન્કમટેક્ષ માટે પણ હોવો જોઇએ

નવી દિલ્હી તા. ૨૯ : ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ કરવાની તારીખ ઝડપથી નજીક આવી રહી છે. કરદાતાઓ તેમના ITR ભરવાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ દેશમાં આવકવેરાના દર ઘટાડવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ભારત વિશ્વના સૌથી અમીર દેશોમાં સામેલ નથી, પરંતુ તેમ છતાં અહીં ટેકસ કલેકશન ખૂબ જ વધારે છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ભારતમાં આવકવેરાનો વર્તમાન દર ૪૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવો જોઈએ. સુરજીત ભલ્લાએ કહ્યું કે દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે ટેકસ રેટ ઘટાડવો જરૃરી છે. હાલમાં ભારતમાં આવકવેરાના મહત્ત્।મ દર લગભગ ૪૦ ટકા છે.

સુરજીત ભલ્લાએ કહ્યું કે આપણે વિશ્વની સૌથી વૈશ્વિક અર્થવ્યવસ્થા છીએ. ટેકસ સ્ટ્રકચર પર નજર કરીએ તો ટેકસ કલેકશન ખૂબ જ વધારે છે. પરંતુ આપણે વિશ્વના સૌથી ધનિક અર્થતંત્ર નથી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને સ્થાનિક સંસ્થાઓની કર વસૂલાત ભારતના કુલ સ્થાનિક ઉત્પાદનના લગભગ ૧૯ ટકા છે.

ભલ્લાએ કહ્યું કે આપણે તેને ઘટાડીને બે ટકા કરવા માટે પગલાં લેવા જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે જયાં સુધી ડાયરેકટ ટેકસનો સવાલ છે, મને લાગે છે કે ટેકસનો કુલ દર ૨૫ ટકાથી વધુ ન હોવો જોઈએ. સરચાર્જ સહિત, પ્રત્યક્ષ કરનો દર લગભગ ૪૦ ટકા છે. સરચાર્જ દૂર કર્યા પછી, દેશમાં આવકવેરાના મહત્ત્।મ દર ૩૯ ટકા છે.

૨૦૨૩-૨૪ના બજેટમાં 'સુપર રિચ' પર લાગુ સરચાર્જ ઘટાડવામાં આવ્યો હતો. આ પછી ડાયરેકટ ટેકસનો મહત્તમ દર ઘટીને ૩૯ ટકા થઈ ગયો હતો. અગાઉ તે ૪૨.૭૪ ટકા હતો. ભલ્લા કહે છે કે આ મહત્તમ ડાયરેકટ ટેકસ રેટ ઘટાડીને ૨૫ ટકા કરવો જોઈએ.

સુરજીત ભલ્લાએ કહ્યું કે અહીં કોર્પોરેટ ટેકસનો દર ૨૫ ટકા છે અને તે જ દર આવકવેરા માટે પણ લાગુ થવો જોઈએ. તેમણે કહ્યું કે સમાજના એક વર્ગને ફાયદો થવાને બદલે બધા માટે ટેકસ ઘટાડવાની જરૃર છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન, ભારતનું ગ્રોસ ડાયરેકટ ટેકસ કલેકશન ૨૦ ટકાથી વધુ વધ્યું હતું અને તે વધીને ૧૯.૬૮ લાખ કરોડ રૃપિયા થઈ ગયું હતું. જેમાં ૧૦.૦૪ લાખ કરોડ રૃપિયાના ગ્રોસ કોર્પોરેટ ટેકસ કલેકશન અને ૯.૬૦ લાખ કરોડ રૃપિયાના આઈટી કલેકશનનો સમાવેશ થાય છે.

સુરજીત ભલ્લાએ વધુમાં કહ્યું કે કરચોરી રોકવા માટે ડાયરેકટ ટેકસમાં ફેરફાર કરવાની જરૃર છે. તેમણે કહ્યું કે આવકવેરાના દરને ઊંચા રાખીને કરચોરી ઘટાડી શકાય નહીં. એટલા માટે ટેકસ માળખામાં ફેરફાર કરવાની જરૃર છે, જેથી દરેકને તેનો લાભ મળી શકે.

સામાન્ય બજેટ ૨૦૨૩ રજૂ કરતી વખતે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો હતો અને ૭ લાખ રૃપિયા સુધીની કરમુકત વાર્ષિક આવકની જાહેરાત કરી હતી. પરંતુ આમાં કોઈપણ પ્રકારની કપાતનો લાભ મળશે નહીં. જૂની ટેકસ વ્યવસ્થા પર 80C હેઠળ રૃ. ૧,૫૦,૦૦૦ સુધીની કપાત ઉપલબ્ધ છે.

જૂની અને નવી કર વ્યવસ્થા વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે નવી કર વ્યવસ્થા હેઠળ, તમે 80C, 80D અને 24B જેવી કપાતનો લાભ મેળવી શકતા નથી. જયારે તમે જૂની સિસ્ટમ હેઠળ કપાત અને મુકિતનો સમાવેશ કરીને આ તમામ લાભો મેળવી શકો છો

(3:23 pm IST)