Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

હવે ઘંટ વગાડનાર નહીં, ગળું કાપનાર હિન્દુ બનવાની જરૂરિયાત: ટી રાજા સિંહ

- ભાજપના ધારાસભ્‍યનું વિવાદીત નિવેદન

નવીદિલ્‍હીઃ પોતાના નિવેદનોને લઈને મોટા ભાગે લાઇમલાઇટમાં રહેનારા તેલંગાણા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ટી. રાજા સિંહે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે 29 જાન્યુઆરી રવિવારના રોજ કહ્યું કે, હવે ઘંટ વગાડનાર નહીં, ગળું કાપનાર હિન્દુ બનવાની જરૂરિયાત છે. ટી રાજા સિંહ મુંબઇમાં હિન્દુ આક્રોશ મોરચાના એક કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા.

હૈદરાબાદની ગોશામહલ સીટ પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ટી. રાજા સિંહે કહ્યું કે, ઝોમેટો, રેપિડો ટેક્સી, ઓલા, ઉબરથી હિન્દુ છોકરીઓનું નામ, નંબર લેવામાં આવે છે અને લવ જિહાદ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, તમે મુસ્લિમોની દુકાનોથી સામાન લેતા બચો. મોદીજીને મારી વિનંતી છે કે 'અમે બે, અમારા બે' અમને સ્વીકાર છે, પરંતુ મુસ્લિમો પર પણ તે લાગૂ થાય. ટી રાજા સિંહે કહ્યું કે, હિન્દુઓને મારી વિનંતી છે કે તેઓ 1 રૂપિયાનો સામાન હોય કે 1 લાખ રૂપિયાનો, માત્ર હિન્દુઓની દુકાનથી ખરીદો. હાલમાં જ તેમણે પૂણેમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, દેશમાં લવ જિહાદ, ગેરકાયદેસર ધર્માંતરણ, ગૌહત્યા વગેરેની ઘટના વધી છે. હું રાજ્ય સરકાર અને કેન્દ્રને લવ જિહાદ વિરુદ્ધ કાયદો લાવવાની માગ કરું છું. આ અગાઉ હૈદરાબાદ પોલીસે 19 જાન્યુઆરીના રોજ ટી. રાજા સિંહને ગયા વર્ષે એક ધાર્મિક સમુદાય વિરુદ્ધ કથિત આપત્તિજનક ટિપ્પણીને લઈને એક નોટિસ મોકલી હતી. ટી. રાજા સિંહની ગયા વર્ષે ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમની તેલંગાણા પોલીસે પયગમ્બર મોહમ્મદ પર કથિત આપત્તિજનક ટિપ્પણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જામીન મળી ગયા હતા.

ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ટી રાજા સિંહે કથિત રીતે પયગમ્બર મોહમ્મદ બાબતે આપત્તિજનક ટિપ્પણી કરતા 10 મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો. કોમેડિયન મુનવ્વર ફારુકી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે, આ એક કોમેડી વીડિયો હતો, જેમ ફારુકીના દેવી-દેવતાઓ પર કથિત વીડિયો હોય છે. તેમના આ નિવેદન બાદ હૈદરાબાદમાં ખૂબ હોબાળો થયો હતો. થોડાદિવસ અગાઉ ટી રાજા સિંહે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં મુર્દેશ્વર મંદિરનો પ્રવાસ કર્યો હતો. તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ભાજપ દ્વારા સંચાલિત કર્ણાટક સરકારને સમુદ્ર કિનારા પાસે ઉપસ્થિત ગેર-હિન્દુ દુકાનોને હટાવવાની અપીલ કરવામાં આવી હતી.

(11:11 pm IST)