Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ઈઝરાયેલની રાજધાની યેરુસલેમના નેવે યાકોવ સ્ટ્રીટ પર પૂજાના સ્થળ સિનેગોગમાં પેલેસ્ટાઈનના એક આતંકીએ અંધાધુંધ ગોળીબારઃ ૮ લોકોના મોતઃ સિલેવાનમાં ૧૩ વર્ષના કિશોરે પિતા-પુત્રને મારી ગોળી

અન્ય ૧૦ને ઈજા પહોંચી હતી. ઈઝરાયેલની પોલીસે આતંકી હુમલાખોરને ઠાર કર્યો હતો. તાજેતરના સમયમાં ઈઝરાયેલ પર આ સૌથી મોટો ઘાતક આતંકી હુમલો હતો.

યેરુસલેમ: ઈઝરાયેલની રાજધાની યેરુસલેમના વિસ્તાર નેવે યાકોવ સ્ટ્રીટ પર પૂજાના સ્થળ સિનેગોગમાં પેલેસ્ટાઈનના એક આતંકીએ અંધાધુંધ ગોળીબાર કરતાં ૭૦ વર્ષીય મહિલા સહિત આઠ લોકોનાં મોત નીપજ્યાં હતા તથા અન્ય ૧૦ને ઈજા પહોંચી હતી. ઈઝરાયેલની પોલીસે આતંકી હુમલાખોરને ઠાર કર્યો હતો. તાજેતરના સમયમાં ઈઝરાયેલ પર આ સૌથી મોટો ઘાતક આતંકી હુમલો હતો.

આ હુમલાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં સિલવાનમાં શનિવારે સવારે ૧૩ વર્ષના પેલેસ્ટિનિયન કિશોરે એક પિતા-પુત્રને ગોળી મારી હતી.

ઈઝરાયેલની પોલીસે જણાવ્યું કે, પૂર્વીય યેરુસલેમના એક યહૂદી વિસ્તાર નેવે યાકોવમાં શુક્રવારે રાતે આ હુમલો થયો હતો. હુમલા પછી તુરંત પોલીસ ફોર્સે ઘટના સ્થળે પહોંચીને હુમલાખોરને ગોળી મારી દીધી હતી. જોકે, પોલીસે આ અંગે કોઈ માહિતી આપી નહોતી. ઈઝરાયેલના મીડિયા મુજબ હુમલાખોર બંદૂકધારી પૂર્વી યેરુસલેમનો રહેવાસી એક પેલેસ્ટિનિયન હતો. જોકે તેની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે આ હુમલામાં ૭ લોકો માર્યા ગયા હોવાનું જણાવ્યું હતું જ્યારે એમ્બ્યુલન્સ સેવાનું કહેવું છે કે આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે.

સૂત્રોએ જણાવ્યું કે યહૂદી નાગરિકો સિનેગોગમાં પૂજા કર્યા પછી આરામ કરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ હુમલાના એક દિવસ પહેલાં જ ઈઝરાયેલી સેનાએ વેસ્ટ બેન્કમાં હુમલો કર્યો હતો, જેમાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતા. પેલેસ્ટિનિયન હુમલાખરોના હુમલા પછી તેમના કબજાવાળા વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટી બંને જગ્યાએ ઊજવણી થઈ હતી. અહીં લોકોએ હવામાં ગોળીબાર કર્યો, હોર્ન વગાડ્યા અને મીઠાઈઓ વહેંચી હતી.

પૂર્વી યેરુસલેમમાં શુક્રવારના હુમલાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં ઈઝરાયેલના સિલવાનમાં ૧૩ વર્ષના એક પેલેસ્ટિનિયન કિશોરે એક પિતા અને પુત્રને ગોળી મારી દીધી હતી. આ હુમલો શનિવારે સવારે થયો હતો. અહેવાલો મુજબ ૪૭ વર્ષના પિતા અને ૨૩ વર્ષ પુત્રને ૧૩ વર્ષના કિશોરે ગોળી મારી દીધી હતી. આ પહેલાં પોલીસે શુક્રવારે આરાધનાલયમાં થયેલા હુમલાના કેસમાં ૪૨ લોકોની ધરપકડ કર્યાની જાહેરાત કરી હતી. સિનેગોગ પર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ ગાઝા પર નિયંત્રણ ધરાવતા ઈસ્લામી આતંકી જૂથ હમાસે હુમલાની જવાબદારી લીધા વિના તેની પ્રશંસા કરી હતી.

(3:53 pm IST)