Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

એકતાનો મંત્ર જ ભારત માટે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે: વડાપ્રધાન મોદી

પીએમ મોદીએ દેશમાં મતભેદો વધારવા અને વિભાજન પેદા કરવાના પ્રયાસો પ્રત્યે દેશવાસીઓને સચેત કરતા વિશ્વાસ અપાવ્યો કે આ પ્રકારના પ્રયાસો ક્યારેય સફળ થવાના નથી

નવી દિલ્હી: પીએમ મોદીએ દેશમાં મતભેદો વધારવા અને વિભાજન પેદા કરવાના પ્રયાસો પ્રત્યે દેશવાસીઓને સચેત કરતા વિશ્વાસ અપાવ્યો કે આ પ્રકારના પ્રયાસો ક્યારેય સફળ થવાના નથી. દિલ્હીની છાવણીના કરિયપ્પા મેદાનમાં એનસીસીની એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે એકતાનો મંત્ર જ ભારત માટે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
-દરેક યુવાને સપનું સાકાર કરવા પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રયાસ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આખી દુનિયા ભારત પર નજર રાખી રહી છે. તે માટે સૌથી મહત્વની બાબત તમે બધા યુવાનો છો, ભારતના યુવાનોના કારણે આખી દુનિયાની નજર આપણી ઉપર છે. વડાપ્રધાને કહ્યું કે આજનું ભારત દરેક યુવા સાથીઓને એક વિશેષ માર્ગદર્શન અને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જ્યાં તમે પોતાના સ્વપ્નને સાકાર કરી શકો. આજે યુવાનો માટે નવા નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વધુ જણાવતા કહ્યું કે, દેશના વિકાસમાં NCCની ભૂમિકા શું રહી છે અને તમે બધાએ કેટલી પ્રશંશનીય કામગીરી રહ્યા છો તે અમે સૌ જાણીએ છીએ.
-મતભેદો પેદા કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ જશે
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે ડિજિટલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની ક્રાંતિઓની શરૂઆત કરી છે. તેનાથી સૌથી મોટો લાભ યુવાઓને મળી રહ્યો છે. આ ભારતના યુવાઓ માટે એક તક સમાન છે. દરેકને એવું લાગી રહ્યું છે કે હવે ભારતનો સમય આવી ગયો છે.
પીએમએ કહ્યું કે દેશને વિભાજિત કરવા માટે બહાના શોધવામાં આવે છે. ભારતમાતાના સપૂતો વચ્ચે વિભાજન પેદા કરવા વિવિધ વાતો ફેલાવીને લોકોને ભડકાવવાનો પ્રયાસ કરાય છે. આ પ્રકારના પ્રયાસો છતાં ભારતના લોકો વચ્ચે ક્યારેય મતભેદો પેદા થવાના નથી.

(2:49 pm IST)