Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

મહારારાષ્‍ટ્રમાં વીજળીના દરમાં વધારાનો ઝટકો નાગરીકને લાગી શકે છેઃ મહાવિતરણ કંપનીએ નાણાંકીય બોજ જનતા પર નાખવાનો નિર્ણય કર્યો છે

મહારાષ્‍ટ્ર ઇલેકટ્રી સીટી રેગ્‍યુલેટરી કમિશનને પ્રસ્‍તાવ રજુ કર્યો

નવી દિલ્હીઃ  સામાન્ય નાગરિકોને નવા નાણાકીય વર્ષમાં વીજળીના દરમાં વધારાનો ઝટકો લાગવાની શક્યતા છે. નાણાકીય નુકસાનને ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્રમાં `મહાવિતરણ` (Mahavitaran) કંપનીએ વીજ ગ્રાહકો પર નાણાકીય બોજ નાખવાનો નિર્ણય કર્યો છે. આ મુજબ, કંપનીએ આગામી વીજળી ટેરિફ સમીક્ષામાં 37 ટકાના ટેરિફ વધારા માટે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને પ્રસ્તાવ રજૂ કર્યો છે.

તેથી આગામી બે વર્ષ માટે સરેરાશ 37 ટકા ભાવ વધારો સૂચવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવના કારણે ઘરગથ્થુ, વ્યાવસાયિકો, ખેડૂતો જેવી તમામ શ્રેણીઓના વપરાશકર્તાઓને ભાવવધારાનો ઝટકો લાગવાની શક્યતા છે.

મહાવિતરણ કંપનીના ગ્રાહકો માટે વીજ દર પાંચ-વાર્ષિક હોય છે, ત્યારબાદ મધ્ય-ગાળાની સમીક્ષા કરવામાં આવે છે. વર્તમાન દરો 1લી એપ્રિલ 2020થી લાગુ થયા છે. તદનુસાર હવે મધ્ય-ગાળાની સમીક્ષા કરવામાં આવી છે અને જો વિદ્યુત નિયમનકારી આયોગ મહાવિતરણના પ્રસ્તાવને લીલીઝંડી આપે છે, તો નવા ટેરિફ આ વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવી શકે છે.

શું ગ્રાહકોની ચિંતા વધશે?

સમીક્ષા બાદ `મહાવિતરણ`એ જંગી ભાવવધારાની વિનંતી કરી છે. આ નવા દરો અનુસાર, ઘરેલું ગ્રાહકો માટે લઘુત્તમ ટેરિફ 2023-24 માટે (1 એપ્રિલથી) પ્રતિ યુનિટ રૂા. 4.50 થઈ શકે છે, જે હાલના લઘુત્તમ દર રૂા. 3.36 કરતાં 1.14 રૂપિયા પ્રતિ યુનિટ વધુ છે. જ્યારે વર્તમાન મહત્તમ 11.86 રૂપિયા પ્રતિ યુનિટનો દર હવે 16.60 રૂપિયા પ્રતિ યુનિટ કરવાનો પ્રસ્તાવ છે. આ બંને કેટેગરીમાં વર્ષ 2024-25 માટે વીજળી દર અનુક્રમે રૂા. 5.10થી રૂ. 18.70 પ્રતિ યુનિટ રાખવાનો પ્રસ્તાવ છે, જેના કારણે ગ્રાહકોની ચિંતામાં વધારો થયો છે.

કૉમર્શિયલ કેટેગરીના ગ્રાહકોની વાત કરીએ તો, વર્તમાન લઘુત્તમ દર રૂા. 7.07થી રૂ. 9.60 પ્રતિ યુનિટ હવે રૂા. 12.76થી રૂા. 17.40 પ્રતિ યુનિટ કરવાનો પ્રસ્તાવ છે. આગામી વર્ષ માટેનો દર પ્રતિ યુનિટ લઘુત્તમ રૂા. 11થી વધુમાં વધુ રૂા. 20 સુધીનો પ્રસ્તાવ છે. નીચા દબાણવાળી ઔદ્યોગિક શ્રેણીમાં ટેરિફ હવે 5.11 રૂપિયાથી 6.05 રૂપિયા પ્રતિ યુનિટથી 6.90થી 8.20 રૂપિયા પ્રતિ યુનિટ કરવાનો પ્રસ્તાવ છે. ઊંચા દબાણવાળી ઈન્ડસ્ટ્રીયલ કેટેગરીના ગ્રાહકો પાસેથી હવે પ્રતિ યુનિટ રૂા. 9.32 વસૂલવામાં આવશે અને આવતા વર્ષે રૂા. 10.50 પ્રતિ યુનિટ વસૂલવામાં આવશે.

(11:30 pm IST)