Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

બજેટ બાદ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોબાઈલ સસ્તા થવાની શક્યતા

ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલના પાર્ટસના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તેના પર ડયુટી ઘટાડી શકે

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. જેમાં દેશના તમામ વર્ગને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લોકો ઈચ્છી રહ્યા છે કે, સરકાર એવી જાહેરાતો કરે જેનાથી આવકમાં વધારો થાય. જોકે આ દરમિયાન એક અંગ્રેજી અખબારે સરકારના સૂત્રોને ટાંકીને અહેવાલ પ્રગટ કર્યો છે કે, દેશમાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલના પાર્ટસના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તેના પર ડયુટી ઘટાડી શકે છે. જેથી બજેટ બાદ કદાચ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોબાઈલ સસ્તા થઈ શકે છે.

આ સિવાય કસ્ટમ ડ્યુટીની પ્રક્રિયાને પણ સરળ કરવાની ચર્ચા થઈ રહી છે. જેનાથી સ્થાનિક ઉત્પાદનમાં પણ આસાની થશે. સરકાર સ્માર્ટ વોચ જેવા સાધનો પર પણ ડ્યુટી ઘટાડવા માટે વિચારી રહી છે.

સરકારને આશા છે કે, મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ અને તેની નિકાસમાં તેજી આવશે તેમજ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને સાધનોની નિકાસ પણ વધશે.

સરકારને આશા છે કે, 2025 સુધીમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નિકાસ વધીને 8 અબજ ડોલર થશે .જે હાલમાં ઝીરો છે. તેમજ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડ્કટસની નિકાસ પણ બમણી થઈને 17 અબજ ડોલરે પહોંચશે.

સાથે સાથે ઈલેકટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરનુ ટર્નઓવર પણ 2026 સુધીમાં 300 અબજ ડોલર થઈ શકે છે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

(12:29 am IST)