Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સપાએ અપનાવી શિવસેના સ્ટાઇલ: ગરીબોને 10 રૂપિયામાં સમાજવાદી થાળી આપવાની અખિલેશ યાદવે કરી જાહેરાત

2019ની વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેએ પણ 10 રૂપિયામાં શિવ ભોજન થાળી આપવાની જાહેરાત કરી હતી

ઉત્તર પ્રદેશમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર છે ત્યારે સમાજવાદી પાર્ટી પણ ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર સત્તા મેળવવા માટે બધું દાવ પર લગાવી રહી છે. સત્તા માટેના આ સંઘર્ષમાં સમાજવાદી પાર્ટી દ્વારા અમુક અંશે શિવસેનાના પ્લાનને અનુસરવામાં આવી રહ્યો છે. જો આપણે એમ કહીએ કે અખિલેશ યાદવની એક મોટી જાહેરાતનો સીધો સંબંધ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મોટી યોજના સાથે છે તો ખોટું નહીં હોય.

ગાઝિયાબાદમાં પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે મોટી જાહેરાત કરતા કહ્યું કે જો ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર આવશે તો ગરીબોને 10 રૂપિયામાં સમાજવાદી થાળી આપવામાં આવશે. થાળીમાં પૌષ્ટિક ખોરાક આપવામાં આવશે. આ સિવાય 300 યુનિટ સુધીની વીજળી ફ્રી કરવામાં આવશે. આ સાથે તેમણે વરિષ્ઠ નાગરિકો માટે સમાજવાદી પેન્શન યોજનાની પણ જાહેરાત કરી હતી.

 

2019ની વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેએ પણ 10 રૂપિયામાં શિવ ભોજન થાળી આપવાની જાહેરાત કરી હતી. આ પછી સત્તામાં આવતા જ શિવસેના દ્વારા શિવ ભોજન થાળી શરૂ કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન, શિવ ભોજન થાળી વિના મુલ્યે આપવાનું શરૂ કર્યું.

અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોએ શિવ ભોજન થાળીનો સ્વાદ ચાખ્યો છે. આ યોજનાનો હેતુ ગરીબો અને જરૂરિયાતમંદોને સસ્તું ભોજન પૂરું પાડવાનો છે. રાજ્યના તમામ જિલ્લા મથકો, જિલ્લા હોસ્પિટલો, બસ સ્ટેશનો, રેલવે પરિસરમાં શિવ ભોજન થાળી આપવામાં આવે છે.

આખરે 10 રૂપિયાની થાળીમાં શું ખાવાનું મળે છે ? શું એટલુ જમવાનું મળે છે કે, કોઈ ગરીબનું પેટ ભરાય શકે ? તો ચાલો અમે તમને જણાવીએ કે મહારાષ્ટ્રમાં ગરીબો માટે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં ભોજન માટે શું શું મળે છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શિવભોજન થાળીમાં 30 ગ્રામ રોટલી, 100 ગ્રામ શાકભાજીનો વાટકો, 150 ગ્રામ ચોખા અને દાળને અથવા એક વાટકી કઢી આપવામાં આવે છે. આ થાળી લેવાનો સમય નિશ્ચિત છે. આ થાળી બપોરે 12 થી 2 વાગ્યા સુધી મળે છે.

(11:05 pm IST)