News of Saturday, 29th January 2022
નવી દિલ્હી :અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં પેગાસસને લઈને કરેલા ઘટસ્ફોટ બાદ ભર શિયાળે દિલ્હીમાં રાજકીય પારો ઉંચો ચઢી ગયો છે.
જાસૂસી કરવા માટેના પેગાસસ સોફ્ટવેર માટે 2017માં ભારતે ડીલ કરી હોવાનો ઘટસ્ફોટ બાદ કોંગ્રેસ સરકારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસનુ કહેવુ છે કે આ અહેવાલ પર PMOએ જવાબ આપવો જોઈએ.
કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, શ્રીનિવાસ વી બી, શક્તિ સિંહ ગોહીલ અને કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યુ છે કે, આ રિપોર્ટથી સાબિત થયુ છે કે સરકારે 300 કરોડ રુપિયામાં પેગાસસ સોફટવેરની ખરીદી પત્રકારો તેમજ નેતાઓ પર જાસૂસી કરવા માટે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવાયુ છે કે, પીએમ મોદી 2017માં ઈઝરાયેલના પ્રવાસે ગયા ત્યારે બે અબજ ડોલરમાં ભારતે એક સંરક્ષણ ડીલ કરી હતી અને તેમાં મિસાઈલ સિસ્ટમ સિવાય પેગાસસ સોફટવેરનો પણ સમાવેશ થયો હતો.
રાહુલ ગાંધીએ આ અહેવાલ બાદ કહ્યુ છે કે, મોદી સરકારે દેશની સંસ્થાઓ રાજકારણીઓ અને જનતાની જાસૂસી કરાવ માટે પેગાસસ સોફ્ટવેર ખરીદ્યું હતુ અને તમામને ટાર્ગેટ કર્યા હતા. મોદી સરકાર દેશદ્રોહી છે.
યુવક કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસનુ કહેવુ છે કે, હવે સાબિત થઈ ગયુ છે કે, ચોકીદાર જ ચોર છે. જ્યારે બેરોજગારો નોકરી માટે લાઠીઓ ખાઈ રહ્યા હતા ત્યારે ભારતના પીએમ જાસૂસી માટેનુ સોફટવેર ખરીદવામાં વ્યસ્ત હતા.
યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યુ છે. 31 જાન્યુઆરીથી શરુ થઈ રહેલા બજેટ સત્ર પણ આ મુદ્દાને લઈને તોફાની બને તેવા એંધાણ છે.