Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

યુક્રેન મુદ્દે ચીને રશિયાનો પક્ષ લેતા ભારત મૂંઝવણમાં

રશિયા યૂક્રેનના તણાવમાં વિશ્વભરમાં અજંપો : એક તરફ જુનું મિત્ર રશિયા છે અને બીજી તરફ નવું દોસ્ત અમેરિકા છે, ભારતનો તટસ્થ વલણનો પ્રયાસ

નવી દિલ્હી, તા.૨૯ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તનાવમાં અમેરિકા અને બીજા પશ્ચિમી દેશો યુક્રેનની સાથે છે તો બીજી તરફ ચીને હવે ખુલ્લેઆમ રશિયાનો પક્ષ લીધો છે.

આ સંજોગોમાં ભારત માટે મૂંઝવણ ઉભી થઈ છે કે, કોનો સાથ આપવો.કારણકે એક તરફ જુનુ મિત્ર રશિયા છે અને બીજી તરફ નવુ દોસ્ત અમેરિકા છે.જેના પગલે ભારત તટસ્થ વલણ અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. ભારતે આ વિવાદ પર કહ્યુ હતુ કે, રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદનો ઉકેલ રાજકીય રીતે આવે તે બાબતનુ અમે સમર્થન કરી રહ્યા છે.

ભારતે કહ્યુ છે કે, રશિયા અને અમેરિકા વચ્ચેની વાતચીત પર અમારી નજર છે. રશિયા અને નાટો દેશ વચ્ચેના ટકરાવ પર ભારતે પહેલી વખત પ્રતિક્રિયા આપી છે.

ભારત આ મામલે સાચવી સાચવીને નિવેદન આપી રહ્યુ છે.કારણકે ભારત  માટે રશિયા અને અમેરિકા બંને મિત્ર છે.બીજી તરફ ચીને તો ખુલ્લેઆમ રશિયાનુ સમર્થન કરી દીધુ છે.

જેના કારણે ભારત માટે મૂંઝવણ વધી છે. પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલને ટાંકીને એક અંગ્રેજી અખબારે કહ્યુ હતુ કે, ભારતના તટસ્થ વલણથી રશિયા ખુશ રહેશે.સ્થિતિ બગડે તો ખતરો યુરોપને વધારે છે.જો આ મુદ્દો સુરક્ષા પરિષદમાં ઉછળે તો પણ ભારતે પહેલાના વલણ પર કાયમ રહેવુ જોઈએ.

(10:00 pm IST)