Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સિદ્ધુના બહેનનો આરોપઃ પિતાના મૃત્‍યુ પછી ભાઈએ માને ઘરની બહાર કાઢી મૂકી હતી

નવજોત સિંહે પિતાના મત્‍યુ પછી માને તરછોડી દીધી હતી અને બાદમાં તેમનું રેલવે સ્‍ટેશને બિનવારસી હાલતમાં મૃત્‍યુ થઈ ગયું હતું: ૧૯૮૬માં પિતાના મૃત્‍યુ પછી સિદ્ધુએ તેમની માતા અને તેમને ઘરની બહાર કાઢી મૂક્‍યા હતાઃ સિદ્ધુએ આ બધુ પ્રોપર્ટી માટે કર્યું હતું : કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પર તેમના બહેન સુમન તૂરે ગંભીર આરોપો લગાવ્‍યા

ચંદીગઢ,તા. ૨૯ : પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પારિવારિક વિવાદમાં ફસાતા નજરે પડી રહ્યા છે. હકીકતમાં, સિદ્ધુના વિદેશમાં રહેતા બહેન સુમન તૂરે તેમના પર અમાનવીય વ્‍યવહાર અને ત્રાસ આપવા જેવા ગંભીર આરોપ લગાવ્‍યા છે. એટલું જ નહીં, સુમન તૂરે કહ્યું કે, સિદ્ધુએ તેમના પિતા ભગવંત સિદ્ધુના મોત પછી તેમની માતા નિર્મલ ભગવંત અને મોટી બહેનને ઘરની બહાર કાઢી મૂક્‍યા હતા. તે પછી દિલ્‍હી રેલવે સ્‍ટેશન પર તેમનું બિનવારસી હાલતમાં મોત થઈ ગયું.
સિદ્ધુના બહેન સુમન તૂર અમેરિકાથી ચંદીગઢ પહોંચ્‍યા તેમણે પ્રેસ કોન્‍ફરન્‍સ કરી સિદ્ધુ પર ગંભીર આરોપ લગાવ્‍યા. તૂરે કહ્યું કે, નવજોત સિદ્ધુએ જૂઠ્ઠુ બોલ્‍યા છે કે, અમારા માતા-પિતા કાયદેસર રીતે અલગ થયા હતા. તૂરે કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ ઘણા નિર્દયી છે..
સિદ્ધુના બહેને કહ્યું કે, તેઓ નવજોત સિંહને મળવા અમૃતસર તેમના ઘરે ગયા હતાં. પરંતુ તેમણે ગેટ ન ખોલ્‍યો. એટલું જ નહીં, સિદ્ધુએ તેમને વ્‍હોટ્‍સએપ પર બ્‍લોક કરી દીધા. તેમણે આરોપ લગાવ્‍યો કે, ૧૯૮૬માં તેમના પિતા ભગવંત સિદ્ધુનું મોત થઈ ગયું હતું, તે પછી સિદ્ધુએ માને ઘરની બહાર કાઢી મૂકી.
સુમને જણાવ્‍યું કે, તેમની માતાએ પોતાની છબિ બચાવવા માટે દિલ્‍હીના ધક્કા ખાધા અને અંતે દિલ્‍હી રેલવે સ્‍ટેશને તેમનું બિનવારસી હાલતમાં મોત થઈ ગયું. સુમન તૂરે કહ્યું કે, સિદ્ધુએ આ બધું પ્રોપર્ટી માટે કર્યું. સુમન તૂરે કહ્યું કે, તે ૧૯૯૦માં અમેરિકા જતા રહ્યા હતાં, પરંતુ નવજોત સિંહ સિદ્ધુએ પોતાની માતા નિર્મલ મહાજન ઉર્ફે નિર્મલ ભગવંતને ઘણો ત્રાસ આપ્‍યો હતો અને તેમણે ઘણી વખત પોતાના ભાઈ નવજોત સિંહ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિદ્ધુએ ઘરમાં પ્રવેશવાની મંજૂરી ન આપી.
બીજી તરફ, નવજોત સિંહ સિદ્ધુના પત્‍ની નવજોત કૌર પોતાના પતિના બચાવમાં આવ્‍યા છે. તેમણે કહ્યું કે, સિદ્ધુના પિતા ભગવંત સિંહએ બે લગ્ન કર્યા હતા. સિદ્ધુની બે બહેનો તેમના પિતાના પહેલા લગ્નથી છે.


 

(10:55 am IST)