Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

અમેરિકા નૌકાદળના ઇતિહાસનું સૌથી મોટું ભ્રષ્ટાચાર કૌભાંડ: સેક્સ અને નાણાંને બદલે ગુપ્ત માહિતી આપી

નૌકાદળના 34 અધિકારીઓ પર આરોપ : એક નેવી કમાન્ડરને વિદેશી કંપનીને ખાનગી વિગતો પૂરી પાડવાના આરોપમાં દોષિત ઠર્યો

નવી દિલ્હીઃ અમેરિકાના નૌકાદળના ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા ભ્રષ્ટાચાર કૌભાંડમાં એક નેવી કમાન્ડર દોષિત ઠર્યો છે. આ કૌભાંડમાં નૌકાદળના 34 અધિકારીઓ પર આરોપ છે કે તેમણે સેક્સ અને નાણાના બદલે વિદેશી કંપનીને ખાનગી માહિતી આપી.

હાલમાં અમેરિકાનો એક નેવી કમાન્ડરને વિદેશી કંપનીને ખાનગી વિગતો પૂરી પાડવાના આરોપમાં દોષિત ઠર્યો છે. કમાન્ડરને આના બદલામાં વિદેશી કોન્ટ્રાક્ટર પાસેથી અઢી લાખ ડોલર અને સેક્સની સગવડ મળી હતી. કમાન્ડર સ્ટીફન શેડે જે સૂચના વિદેશી કંપનીને આપી તેના લીધે નૌકાદળને ત્રણ કરોડ ૫૦ લાખ ડોલરનો ફટકો પડયો છે.

આ કેસ ફેટ લિયોનાર્ડ સ્કેન્ડલમાં એકદમ નવો છે. આ કૌભાંડને અમેરિકન નૌકાદળના સૌથી મોટા ભ્રષ્ટાચાર કૌભાંડમાં એક માનવામાં આવી રહ્યું છે. તેની તપાસ ચાલી રહી છે અને દોષિતોના નામ સામે આવી રહ્યા છે.

શેડ ઓકિનાવા સ્થિત સાતમા અમેરિકન બેડાના નવ સભ્યોમાં એક છે. તેમને માર્ચ ૨૦૧૭માં ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા ગૌટાળામાં તેમની ભૂમિકા માટે દોષિત ઠેરવાયા હતા. શેડ ઉપરાંત બીજા બે અધિકારીઓ પહેલા જ દોષિત સાબિત થઈ ચૂક્યા છે.

અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા મુજબ શેડ અને અન્ય અધિકારીઓએ ખાનગી જાણકારીના બદલામાં સેક્સ વર્કરની સાથે સેક્સ પાર્ટી, શાનદાર ડિનર અને પ્રવાસ ખેડયો. આ ખાનગી જાણકારી ગ્લેન ડિફેન્સ મરીન એશિયા (જીડીએમએ)ને આપવામાં આવી. આ સિંગાપોરની એક કંપની છે જેને એક મલેશિયન નાગરિક લિયોનાર્ડ ગ્લેન ફ્રાન્સિસે સ્થાપી હતી.

આ કૌભાંડને ફેટ લિયોનાર્ડ કૌભાંડ તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કેમકે આ કૌભાંડ થયુ ત્યારે લિયોનાર્ડ સ્થૂળ હતો. તેણે 2013માં અમેરિકન અધિકારીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેની કેલિફોર્નિયામાં ધરપકડ કરવામાં આવી હતી. તેને લાંચ અને કાવતરાના આરોપમાં દોષિત ઠેરવાયો હતો. ત્યારથી તે ક્યારેક જેલમાં તો ઘણી વખત ઘરમાં નજરબંધ નજરે આવ્યો છે. શેડને 21 જુલાઈએ ફેડરલ કોર્ટ સજા સંભળાવશે. આ ઉપરાંત 34માંથી 28 અધિકારીઓ ગુનો સ્વીકારી ચૂક્યા છે.

(12:24 am IST)