Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

નવો યુનિફોર્મ, નવી ઓળખ ... હવે આ નવા અવતારમાં જોવા મળશે 'પોસ્ટમેન' : નેશનલ ફેશન ટેકનીકલ ઇન્સ્ટિટ્યુટ (NIFT) દ્વારા ડીઝાઈન કરાયો નવો યુનિફોર્મ

નવી દિલ્હી : દુનિયા ભલેને ગમે તેટલી હાઇટેક થઈ જાય, પણ આપણા ટપાલી જ્યાંથી પણ નીકળે, તો તે પોતાના પોશાકના લીધે લોકોની નજરમાં આવીજ જતા હોય છે. પણ હવે પોસ્ટમેનના યુનિફોર્મની ડિઝાઇનમાં ફેરફાર થઈ ગયો છે. પોસ્ટમેન હવે ખાદીમાંથી બનાવેલ નવા ગણવેશમાં જોવા મળશે.

પોસ્ટલ વિભાગના પોસ્ટમેન અને અન્ય કર્મચારીઓ માટે સોમવારે સરકારે નવો ગણવેશ (યુનિફોર્મ) રજૂ કર્યો હતો.

આ ગણવેશ નેશનલ ફેશન ટેકનીકલ ઇન્સ્ટિટ્યુટ (NIFT) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તે ખાદીના કાપડમાંથી બનાવવામાં આવ્યો છે.

કોમ્યુનિકેશન પ્રધાન મનોજ સિંહાએ આ યુનિફોર્મને રજુ કરતી વખતે જણાવ્યું હતું કે 'અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદીને પ્રોત્સાહન આપતાજ રહ્યા છે.'

મનોજ સિંહાના જણાવ્યા પ્રમાણે, આ ગણવેશ તૈયાર કરવાની પ્રક્રિયા લગભગ 25 દિવસ પહેલા શરૂ થઈ હતી અને તે ખાખી રંગના ખાદીના કાપડમાંથી બનાવેલ આ ડ્રેસને રજુ કરવાનું નક્કી કર્યું હતું.

મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, NIFTએ આ ડિઝાઇન સરકારમાં રજૂ કરી હતી અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સે તેને સ્વીકારી છે.

આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ખાદી અને ટપાલ ખાતા માટે પુષ્કળ સંભાવનાઓ રહેલી છે.

નવી યુનિફોર્મમાં 'ગાંધી ટોપી'ની જગ્યાએ પી-આકારની કેપ છે. પોસ્ટમેનના યુનિફોર્મના રંગમાં કોઈ ફેરફાર કરાયો નથી.

નવા કોસ્ચ્યુમમાં, ખિસ્સા અને ટોપી પર ભારતીય પોસ્ટલ વિભાગનો લોગો જોવા મળશે અને ખભ્ભા પર લાલ પટ્ટી હશે. આ નવી પહેલ સાથે ઘણા લોકોને રોજગારી મળશે અને સમાજનો આર્થિક ઉત્કર્ષ થશે.

ખાદીગ્રામોદ્યોગના  7,000 રિટેલ આઉટલેટ્સ પર આ નવા ડ્રેસ ઉપલબ્ધ થશે. પુરુષોના વસ્ત્રોની કિંમત 1500 રહેશે અને મહિલાઓના વસ્ત્રોની કિંમત રૂ. 1,700 ર્હાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(11:19 pm IST)