Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ત્રિપલ તલાક ઘટનાક્રમ......

ક્યારે શું થયું તેને લઇને પણ લોકોમાં ચર્ચા

       નવી દિલ્હી,તા. ૨૮ : ત્રિપલ તલાક ટૂંક સમયમાં જ કાયદા હેઠળ સજાપાત્ર ગુના તરીકે બની જશે. કારણ કે, સરકારે આજે લોકસભામાં આ પ્રથાને અપરાધી તરીકે ગણવા સાથે સંબંધિત બિલ જોરદાર વિરોધ અને ધાંધલ ધમાલ વચ્ચે રજૂ કરી દીધું હતું. વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. કેટલાક પક્ષોએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રીય જનતા દળ, ઓલઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, બીજુ જનતા દળ અને અન્ય કેટલાક વિરોધ પક્ષોના સભ્યોએ આ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો. મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ) બિલ ૨૦૧૭ની રજૂઆતનો વિરોધ કર્યો હતો. ત્રિપલ તલાક સંબંધિત ઘટનાક્રમ નીચે મુજબ છે.

*    ૫મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે સુપ્રીમ કોર્ટે જમાતે ઉલેમાહિમ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીને પરવાનગી આપી જેમાં તર્કદાર દલીલો કરાઈ હતી

*    ૨૯મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે સુપ્રીમ કોર્ટે સાયરાબાનોના પડકાર અંગે સુનાવણી કરતી વેળા નોટિસ ફટકારી હતી અને મુસ્લિમ કાયદામાં ત્રિપલ તલાક અને નિકાહ હલાલાની વાત કરી હતી

*    ૨૮મી માર્ચ ૨૦૧૬ના દિવસે કેન્દ્ર સરકારને ઉચ્ચસ્તરીય કમિટિ દ્વારા મહિલા અને કાયદા અંગે રિપોર્ટ રજૂ કરવા સરકારને કહ્યું હતું. પારિવારિક કાયદાઓના મુલ્યાંકન કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું હતું. છ સપ્તાહ જવાબ માટે અપાયા હતા.

*    ૧૮મી એપ્રિલ ૨૦૧૬ના દિવસે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં સાયરાબાનૂ કેસ લડવાનો નિર્ણય કર્યો હતો

*    ૨૯મી જૂન ૨૦૧૬ના દિવસે આ મુદ્દે ચકાસણી કરવા સહમતિ દર્શાવીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ત્રિપલ તલાક મારફતે છુટાછેડા મુસ્લિમ સમુદાયનો ખુબ મહત્વપૂર્ણ મુદ્દો છે. આનાથી મોટી સંખ્યામાં લોકોને અસર થઇ રહી છે

*    ત્રિપલ તલાકની સામે હમેશા અવાજો ઉઠી છે પરંતુ ધર્મ સાથે જોડાયેલો મામલો હોવાથી આને રાજકીય પક્ષે ખુલ્લો ટેકો આપ્યો નથી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ સાતમી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે રાષ્ટ્રીય પંચે આ મામલામાં લોકોના અભિપ્રાય માંગ્યા ત્યારે એક નવી ચર્ચા છેડાઈ હતી

*    સુપ્રીમ કોર્ટે પણ આ મામલામાં નોંધ લીધી હતી. મામલો કોર્ટમાં આવ્યા બાદ આને લઇને દલીલબાજી શરૂ થઇ હતી. ૩૦મી માર્ચ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે આની સાથે જોડાયેલી તમામ અરજી પર પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા સુનાવણીનો નિર્ણય કર્યો હતો

*    પાંચ જજની બંધારણીય બેંચ સમક્ષ જોરદાર દલીલોનો દોર ચાલ્યો હતો જેમાં કુરાન, શરિયત, ઇસ્લામિક કાયદા સાથે જોડાયેલા ઇતિહાસ ઉપર ચર્ચા થઇ હતી. ૧૧મી મે ૨૦૧૭ના દિવસે સુનાવણી શરૂ થઇ હતી અને સતત છ દિવસ સુધી ચાલી હતી

*    કેસની સુનાવણી કરનાર પાંચ જજ જુદા જુદા સમુદાયના હતા જેમાં ચીફ જસ્ટિસ ખેહર શીખ સમુદાયના છે. જસ્ટિસ કુરિયન ખ્રિસ્તી છે. એફ નરીમન પારસી સમુદાયના છે. યુયુ લલિત હિન્દુ સમુદાયના છે જ્યારે અબ્દુલ નઝીર મુસ્લિમ સમુદાયના છે.

*    સતત છ દિવસ સુધી સુનાવણી થયા બાદ ૧૮મી મે ૨૦૧૭ના દિવસે સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો હતો. ૨૨મી મેના દિવસે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં એક નવી એફિડેવિટ દાખલ કરી હતી

*    ૨૨મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે સુપ્રીમે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને કેન્દ્રને કાયદો ઘડી કાઢવા માટે સૂચના આપી

*    ૨૮મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરાયું

(7:56 pm IST)