Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બેન્કોમાં ૮૬ ટકા ફ્રોડ લોન સાથે સંકળાયેલા હોય છે

બેન્કો સાથે છેતરપીંડી કરનારાઓની આબાદ મોડેસ ઓપરેન્ડીઃ ૨૦૧૬-૧૭માં બેન્કોએ ફ્રોડને કારણે રૂ. ૨૩૯૦૩ કરોડ ગુમાવ્યાં જેમાંથી ૮૬ ટકા એટલે કે રૂ. ૨૦૫૬૧ કરોડ એડવાન્સને લગતા ફ્રોડ હતાઃ ૨૬ બેન્કોનો અહેવાલ... અમારા ૯૭ ટકા જેટલા ફ્રોડ એડવાન્સ સાથે સંકળાયેલા છેઃ ખોટા કેવાયસી દસ્તાવેજો, બેનામી કંપનીઓ ઉભી કરવામાં આવતી હોય છે, ખોટા વેચાણ અને વ્યવહારો બતાવવામાં આવતા હોય છે, નકલી દસ્તાવેજો અને ખોટી મિલ્કતો બતાવી બેન્કોને બુચ મારવામાં આવતુ હોય છેઃ કયાંક બેન્કની બેદરકારી પણ થતી હોય છે

નવી દિલ્હી, તા. ૨૨ :. તાજેતરમાં પંજાબ નેશનલ બેન્કમાં રૂ. ૧૧૪૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ સમગ્ર બેન્કીંગ સીસ્ટમ સામે સવાલ ઉઠયા છે. બેન્કોમાં મેનેજમેન્ટ દ્વારા મીલીભગતથી બેન્કોને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના ચૂના લાગ્યા છે. એનપીએ પણ વધીને ૮ લાખ કરોડ જેટલુ થઈ ગયુ છે. ત્યારે એક અભ્યાસ અનુસાર બેન્કોમાં ૮૬ ટકા જેટલા થયેલા ફ્રોડ એડવાન્સીસ એટલે કે લોન સાથે સંકળાયેલા હતા. બેન્કોમાં લેટર ઓફ ક્રેડીટનો દૂરૂપયોગ, ગેરેંટી કે અન્ડરટેકીંગનું ડાયવર્ઝન, ફંડનો દૂરૂપયોગ વગેરેને કારણે ગેરરીતીઓ આચરવામાં આવતી હોય છે.

 

એક અહેવાલ અનુસાર ૨૦૧૬-૧૭માં ભારતમાં થયેલા બેન્કીંગ ફ્રોડમાં ૮૬ ટકા હિસ્સો લોનને લગતો હતો. જ્યારે પંજાબ નેશનલ બેન્કમાં આ હિસ્સો ૯૯ ટકા હોવાનુ બહાર આવ્યુ છે. ૨૬ જેટલી બેન્કોએ જણાવ્યુ છે કે, તેઓના ૯૭ ટકા જેટલા ફ્રોડ લોનને લગતા છે. ૮ જેટલી બેન્કોએ જણાવ્યુ છે કે, આ જ પ્રકારના ફ્રોડ ૯૦ થી ૯૫ ટકાની વચ્ચે કરવામા આવતા હોય છે.

રીઝર્વ બેન્કનો ડેટા જણાવે છે કે, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૩૯૦૩ કરોડની રકમ બેન્કોએ ફ્રોડમાં ગુમાવી હતી. જેમાંથી ૮૬ ટકા એટલે કે રૂ. ૨૦૫૬૧ કરોડ લોનને લગતા ફ્રોડ હોવાનું માલૂમ પડયુ હતું. જ્યારે પંજાબ નેશનલ બેન્કની વાત કરીએ તો આ બેન્કે રૂ. ૨૮૦૮ કરોડ ફ્રોડને કારણે ગુમાવ્યા છે અને રૂ. ૨૭૮૮ કરોડ એટલે કે ૯૯૦૩ ટકા રકમ લોનને કારણે ગુમાવી છે.

રીઝર્વ બેન્કે હજુ ૨૦૧૭-૧૮ના આંકડાઓ તૈયાર કર્યા નથી પરંતુ ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજ પુરા થતા ૩ વર્ષના ડેટા જણાવે છે કે, કુલ ફ્રોડના ૬૭ ટકા એડવાન્સીસ સાથે સંકળાયેલા હતા કે જેમાં ૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં બેન્કોએ રૂ. ૨૨૭૪૩ કરોડ ફ્રોડમાં ગુમાવ્યા હતા. જેમાંથી રૂ. ૧૫૨૩૮ કરોડ લોન સાથે સંકળાયેલા ફ્રોડ હતા.

નિષ્ણાતો અને બેન્કરોના જણાવ્યા પ્રમાણે એડવાન્સને લગતા ફ્રોડમાં વિશ્વાસ અને કરારનો ભંગ મુખ્યત્વે જવાબદાર હોય છે. આ ઉપરાંત લેટર ઓફ ક્રેડીટ અને ગેરેંટીનો દૂરૂપયોગ, લોન લેતી વેળાએ નકલી કે ખોટા દસ્તાવેજો રજૂ કરવા અને અસ્તિત્વમાં ન હોય તેવી મિલ્કત ગીરવે મુકવી જેવી બાબતો ફ્રોડ માટે જવાબદાર હોય છે.

બેન્કોમાં જે ફ્રોડ થાય છે તેમા બેન્કના ઉચ્ચ અધિકારીઓની મીલીભગત પણ સામેલ હોય છે. મોટા ફ્રોડ કરવા સરળ નથી હોતા અને તેમા બેન્કના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોય છે. અનેક લોકોએ ખોટા કેવાયસી દસ્તાવેજો આપી બેન્કોને શીશામાં ઉતારી છે. ઠગબાજોએ અગાઉની દેવાદાર કંપનીઓ છુપાવી નવી કંપનીઓ ઉભી કરી બેન્કોને અંધારામાં રાખી છે. ખોટા વેચાણ અને વ્યવહારના આંકડા બતાવી બેન્કોને ઉંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે. ખોટા દસ્તાવેજો આપીને પણ છેતરપીંડી કરવામાં આવી છે. એટલુ જ નહીં બેન્કોની બેજવાબદારી પણ સામે આવી છે. જેમાં મિલ્કતોનુ ફીઝીકલ વેરીફીકેશન પણ ન કરવું એ જવાબદાર હોય છે. જે લાંચ લઈને કરવામાં આવતુ હોય છે.(૨-૨)

(10:17 am IST)