Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બિસ્કિટ પરનો GST દર ઓછો કરવા સરકારને અનુરોધ

બિસ્કિટ ઉત્પાદકોના સંગઠને કહ્યું, બિસ્કિટ કંઇ પ્રીમિયમ પ્રોડકટ નથી, એને ૧૮ ટકા દર લાગુ કરવો વાજબી નથી

નવી દિલ્હી તા. ૧૭ : ગયા વર્ષે દેશમાં એક જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકસ (GST) લાગુ કરવામાં આવ્યો ત્યારબાદ અનેક વાર વિવિધ પ્રોડકટ્સ પરના GST દરમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. બિસ્કિટ ઉત્પાદકોએ હાલમાં GSTકાઉન્સિલને બિસ્કિટ પરનો GST દર ઓછો કરવા માટે દરખાસ્ત કરી છે.

ઇન્ડિયન બિસ્કિટ મેન્યુફેકચરર્સ એસોસિએશને GST કાઉન્સિલને કરેલા અનુરોધ મુજબ બિસ્કિટ પરના GST દરને ૧૮ ટકાથી ઘટાડીને પાંચથી બાર ટકા વચ્ચેના સ્લેબમાં રાખવામાં આવે, કારણકે આ ઇન્ડસ્ટ્રી દેશમાં અંદાજે ૨.૫૦ કરોડ લોકોને રોજગાર પૂરો પાડે છે. વળી બિસ્કિટ પ્રીમિયમ કેટેગરીની વસ્તુ ન હોવાને કારણે એના પર ૧૮ ટકા GST લાદવો વાજબી નથી.

એસોસીએશને કહેવા પ્રમાણે બિસ્કિટ સમાન અન્ય પ્રોડકટ્સ જેમ કે ચા, જૂસ અને ફળ પરનો GST દર પાંચથી ૧૨ ટકા વચ્ચેનો છે. સરકાર તરફથી જો બિસ્કીટ પરનો GST દર ઘટાડવામાં નહી આવે તો ઇન્ડસ્ટ્રીએ પોતાના માલસામાનની સંખ્યામાં કમી કરવી પડશે એટલે કે પાંચ રૂપિયાના બિસ્કીટ જો ૫૦ ગ્રામ મળતા હોય તો એને પાંચ રૂપિયામાં જ વેચવામાં આવે, પણ એનું વજન ૩૦ ગ્રામ અથવા એનાથી પણ ઓછું કરવામાં આવી શકે.

(3:48 pm IST)