Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સેનિટરી નેપ્કિન્સની કિંમત ઘટાડો

મુંબઇ હાઇકોર્ટનો સરકારને આદેશ

મુંબઈ તા. ૧૭ : સ્ત્રીઓને માસિક સ્ત્રાવ વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડે છે. મહિલાઓની આ સમસ્યાને દૂર કરવા બજારમાં ઉપલબ્ધ છે સેનિટરી નેપકિન્સ અથવા સેનિટરી પેડ્સ, પરંતુ આ પેડ્સની કિંમત વધારે હોવાની મુંબઈ હાઈકોર્ટે નોંધ લીધી છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે કે સ્ત્રીઓને સેનિટરી નેપ્કિન્સ સસ્તા દરે ઉપલબ્ધ થાય એ દિશામાં વિચારો.

કોર્ટે સરકારને એવો પણ આદેશ આપ્યો છે કે સેનિટરી નેપ્કિન્સના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે તેણે શું પગલાં લીધા એની તે કોર્ટને જાણ કરે. ન્યાયમૂર્તિઓ એન.એચ. પાટીલ અને સાંબ્રેની વિભાગીય બેન્ચ સમક્ષ સેવાભાવી સંસ્થા શેટ્ટી વીમેન વેલ્ફેર ફાઉન્ડેશનની એક જનહિતની અરજી આવી છે. એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ૮૦ ટકા સ્ત્રીઓને સેનિટરી નેપ્કિન્સ મળતા નથી, કારણ કે ખૂબ જ મોંઘાં હોય છે અને એ વિશે જનજાગૃતિનો પણ અભાવ છે.

કોર્ટે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્રને ઉપર મુજબના બે આદેશ આપ્યા છે. અરજદારોએ કોર્ટને વિનંતી કરી છે કે સેનિટરી પેડ્સ પરનો જીએસટી, જે હાલ ૧૨ ટકા છે તે ઘટાડવાનો સરકારને આદેશ આપવામાં આવે. ન્યાયાધીશોએ સરકારને કહ્યું છે કે તમે આ વિષયમાં ગ્રામ પંચાયતોને સૂચનાઓ આપો જેથી ગ્રામીણ વિસ્તારોમાં સેનિટરી નેપ્કિન્સના ઉપયોગ વિશે લોકોમાં જાગૃતિ આવે. વધુમાં, જીએસટી મામલે પોતાને મદદરૂપ થવાનું કોર્ટે એડિશનલ સોલિસીટર જનરલને જણાવ્યું છે.

(12:44 pm IST)