Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અધધધ... કાનપુરઃ ૧૦૦ કરોડની જુની નોટો જપ્તઃ બિલ્ડર બેડ બનાવી સૂતો

૧૬ લોકોની ધરપકડઃ પોલીસ અલગ-અલગ રૂમમાં ત્રણ પથારી જોઇ સ્તબ્ધઃ હાહાકાર : નોટબંધીના ૧૪ મહિના બાદ સૌથી મોટો જથ્થો મળી આવ્યોઃ પૂછપરછ ચાલુ

કાનપુર તા. ૧૭ : નોટબંધીને ૧૪ મહિના વીતી ગયા છતાંય યુપીના કાનપુર જિલ્લાના એક વિસ્તારમાંથી કરોડો રૂપિયાની જૂની નોટો મળતા સનસની ફેલાય ગઇ છે. મીડિયા રિપોર્ટસના મતે પોલીસ અને એનઆઇએ ની ટીમ એ ગઇકાલે રાત્રે કાનપુરના સ્વરૂપ નગર વિસ્તારમાં આવેલા એક ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસને અલગ-અલગ રૂમમાં જૂની નોટોની ત્રણ પથારી જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા.

મીડિયા રિપોર્ટસના મતે જૂની નોટોની ગણતરી ગઇકાલ રાતથી હજુ ચાલુ છે અંદાજ છે કે ૧૦૦ કરોડ રૂપિયાની રકમ હોઇ શકે છે. આ કેસમાં કાનપુરના બે પ્રખ્યાત લોકોની કસ્ટડી લેવામાં આવી છે. કાનપુરના એસએસપી એ.કે.મીનાએ કહ્યું કે તેમને માહિતી મળી છે કે કાનપુરના એક જાણીતા વ્યકિતના ઘરે કરોડો રૂપિયાની જૂની નોટ રાખી મૂકવામાં આવી છે.

માહિતી મળ્યા બાદ એસપી પશ્ચિમ ડો.ગૌરવ ગ્રોવર અને એસપી પૂર્વી અનુરાગ આર્યની ટીમ એ દરોડા પાડવાની શરૂઆત કરી. ટીમ એ પ્રખ્યાત વેપારીઓને સ્વરૂપનગર, જનરલગંજ અને એંશી ફૂટ રોડ પર આવેલા વેપારીઓના પ્રતિષ્ઠાનોમાં દરોડા પાડી જૂની નોટો જપ્ત કરી.

એસએસપી એ કહ્યું કે આરબીઆઈ અને આઇટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. જે રૂપિયા જપ્ત કરાયા છે તેની હજુ ગણતરી ચાલી રહી છે. જાણીતા લોકોની પાસે આટલી મોટી સંખ્યામાં જૂની નોટ જપ્ત થયા બાદ લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે હજુ પણ જૂની નોટ બદલાય રહી છે.

સૂત્રોનું માનીએ તો પૂર્વાંચલથી કેટલાંક લોકો કાનપુર પહોંચ્યા હતા. તેના માધ્યમથી જૂની નોટો બદલવાની હતી. આ લોકોને વેપારીઓએ શહેરના અલગ-અલગ હોટલમાં રાખ્યા હતા.

(4:10 pm IST)