Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કાલે GST કાઉન્સીલની બેઠકઃ રાહતોનો થશે વરસાદ

બજેટ પૂર્વે જ લોકોને ખુશ કરી દેશે સરકારઃ અનેક રાહતલક્ષી નિર્ણયોની શકયતાઃ ૭૦થી ૮૦ આઇટમો અને સર્વિસીસના દરમાં ઘટાડો કરાય તેવી શકયતાઃ રિયલ એસ્ટેટ - પેટ્રોલિયમ અંગે પણ નિર્ણય

નવી દિલ્હી તા. ૭ : સામાન્ય બજેટ દર વર્ષે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થાય છે, પરંતુ આ વર્ષે અડધું બજેટ ૧૮ જાન્યુઆરીએ રજૂ થવાની સંભાવના છે. સામાન્ય બજેટ અગાઉ ૧૮ જાન્યુઆરીએ જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક યોજાનાર છે. અગાઉ જીએસટીના વેરા અંગે બજેટમાં નિર્ણય કરાતો હતો. હવે જીએસટી કાઉન્સિલ આ નિર્ણય કરે છે. જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. આ નિર્ણયથી આમ આદમીને મોટી રાહત મળે તેમ મનાય છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ એસ્ટેટને નવી ટેકસ સિસ્ટમમાં આવરી લેવાનો મહત્વનો એજન્ડા છે. સરકારના પ્રયાસો પણ રિયલ એસ્ટેટને જીએસટીમાં અધિકાર ક્ષેત્રમાં લાવવાના છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમ સપાટીએ પહોંચી ગયા છે અને સરકાર પણ આ કારણે મુશ્કેલી અનુભવે છે.

સામાન્ય બજેટ પહેલા જીએસટી કાઉન્સિલની બેઠકમાં રીયલ એસ્ટેટને જીએસટી અંતર્ગત લાવવા પર સહમતી સધાઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી કાઉન્સિલની હવે પછીની મીટિંગ ૧૮ જાન્યુઆરીએ થશે. આ મીટિંગનો મહત્વનો એજન્ડા રીયલ એસ્ટેટ સેકટરને જીએસટીમાં લાવવા પર ચર્ચા કરવાનો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી કાઉંસીલની મીટિંગમાં રીયલ એસ્ટેટને નવી ટેકસ સિસ્ટમ અંતર્ગત લાવવું તે મહત્વનો એજન્ડા હશે. આ મીટિંગ ૧૮ જાન્યુઆરીએ નક્કી છે. આના પર કોઈ નિર્ણય બની શકે તેવી શકયતાઓ નથી પરંતુ આમ છતા એક ગંભીર ચર્ચા થવાની શકયતાઓ રહેલી છે.

દિલ્હી અને જમ્મુ કાશ્મીર જેવા રાજયો રીયલ એસ્ટેટને જીએસટી અંતર્ગત લાવવાને લઈને પ્રબળ ઈચ્છા ધરાવે છે. નવેમ્બરની શરૂઆતમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ રીયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મીટિંગ કરી હતી જેમાં પ્રાઈવેટ ડેવલપર્સની પ્રોપર્ટીઝને જીએસટી અંતર્ગત લાવવા માટે ચર્ચા થઈ હતી. આ પહેલા જીએસટી કાઉંસિલની ૨૩મી મીટિંગ ગુવાહાટીમાં પણ યોજાઈ હતી જેમાં એવો નિર્ણય લેવાયો કે રીયલ એસ્ટેટને પણ ટેકસેશન સિસ્ટમ અંતર્ગત લાવવું જોઈએ.

ગુરૂવારે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ૭૦થી ૯૮૦ આઇટમો અને સર્વિસિસના દરમાં સુધારા વધારા કરવામાં આવે એવી ધારણા છે. આ બેઠક નાણા પ્રધાન અરૂણ જેટલીના અધ્યક્ષસ્થાને મળશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, રિટર્ન ભરવા અને નવી આડકતરા ટેકસ કાર્યપ્રણાલી હેઠળ ઇન્પુટ ટેકસ ક્રેડિટનો દાવો કરવાની પ્રક્રિયા સરળ બનાવવા આ બેઠકમાં નિર્ણય લેવાય એવી ધારણા છે. આ બેઠકમાં ૨૫ માલસામાન અને અન્ય ૪૫થી ૫૫ સર્વિસિસના દરમાં સુધારા વધારા કરવામાં આવે એવી ધારણા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

સિંચાઇના પાંચથી છ ઇકિવપમેન્ટના દર ૧૮ ઠકા ઉપરથી ઘટાડવામાં આવે એવી ધારણા છે. બાયો ડિઝલ અને ઇલેકિટ્રક બસ ઉપર ૨૮ ટકાને બદલે ૧૮ ટકા કરાય તેવી શકયતા છે.

નવી ટેકસ પ્રણાલી હેઠળ રિટર્ન ભરવાનું સરળ બનાવવા માટે લો રિવ્યૂ કમિટિની ભલામણો ઉપર પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવે એવી ધારણા છે. લો રિવ્યૂ કમિટિએ કાયદામાં અસંખ્ય ફેરફાર સૂચવ્યા છે. આ ફેરફારોથી કરદાતાનનો બોજ ઘટશે અને તે સાથોસાથ જીએસટી હેઠળ આવક વધશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.  બેંક અને એરલાઇન્સ જેવા મોટા સર્વિસ પ્રોવાઇડર્સ કે જેમનું ટર્નઓવર રૂ. પાંચ કરોડ છે અને હાલમાં ૧૦ કે તેથી વધુ રાજ્યોમાં ઓફિસો ધરાવે છે તેમને માટે એક જ રજીસ્ટ્રેશનની ભલામણ ઉપર પણ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. જીએસટીઆર-૧, જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ને એક જ ફોર્મમાં ભેળવી દેવામાં આવે તેવી ધારણા છે.(૨૧.૭)

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાનારા મહત્વના નિર્ણય

   ડિજિટલ કેમેરા પર જીએસટીના દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા થઈ શકે.

   ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં ખેતી સાથે સંકળાયેલા સાધનો પર ફલેટ પાંચ ટકા જીએસટી લાગુ કરાય. હાલમાં આ સાધનો પર જીએસટીનો દર પાંચથી ૧૫ ટકા છે.

   ઈલેકિટ્રક વ્હીકલ પરના ટેકસમાં થઈ શકે ઘટાડો.

   કમ્પોઝિશન સ્કીમની મર્યાદા રૂ. ૧.૫ કરોડથી વધારી ૩થી ૫ કરોડ થઈ શકે છે.

   જીએસટીઆર-૧, જીએસટીઆર-૨ અને જીએસટી-૩ ફોર્મ નાબુદ કરી એક જ ફોર્મ હોઈ શકે છે.

   ઈ-વે બિલ પહેલી ફેબ્રુઆરીથી લાગુ થનાર છે. તેનો કેવી રીતે અમલ કરાય તે અંગે નિર્ણય લેવાય.

   બેન્ક, વીમા અને નાણાકીય સંસ્થાઓ માટે સેન્ટ્રલાઈઝડ રજિસ્ટ્રેશનની સુવિધા મળી શકે છે. હાલમાં તેમને દરેક રાજયમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.

   ઈનપુટ ટેકસ ક્રેડિટ સાથે સંકળાયેલા કેટલાક પ્રતિબંધનો અંત લવાય.

(11:42 am IST)