Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સાબરમતી આશ્રમમાં નેતન્યાહુએ ચલાવ્યો ચરખો

મોદી સાથે ઉડાડી પતંગઃ સંયુકત રોડ-શો : ભારત-ઇઝરાયલ અને મોદી-નેતન્યાહુની મિત્રતાના થયા અનેરા દર્શન : સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે બંને નેતાઓનો બંધ ગાડીમાં રોડ શોઃ રસ્તાની બંને બાજુ ભીડ ઉમટીઃ ગાંધી આશ્રમમાં પૂ.બાપૂને આપી શ્રધ્ધાંજલીઃ મહેમાન માટે મોદી બન્યા ગાઇડઃ નિરાંતની પળો માણીઃ વિઝીટર્સ બુકમાં નોંધઃ ભારત-ઇઝરાયલ ઉદ્યોગોને જોડશેઃ આઇક્રિએટનું બંનેએ કર્યુ ઉદ્દઘાટન

અમદાવાદ તા.૧૭ : આજે અમદાવાદની મુલાકાતે આવેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ગાંધી આશ્રમમાં ચરખો ચલાવ્યો હતો, વડાપ્રધાન મોદી સાથે બંધ ગાડીમાં રોડ શો યોજયો હતો તથા પતંગ ઉડાડવાની મજા પણ માણી હતી. ભારત-ઇઝરાયલ અને મોદી-નેતન્યાહુની મિત્રતાના દર્શન થવા પામ્યા હતા. બંને નેતાઓએ આઇ ક્રિએટસ સેન્ટરનું ઉદ્દઘાટન પણ કર્યુ હતુ.

ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ આજે અમદાવાદના મહેમાન બન્યા છે. ત્રણ વર્ષમાં ગુજરાત આવેલા ત્રીજા વર્લ્ડ લીડરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. આ પહેલા ચીનના પ્રેસીડેન્ટ જીનપીંગ, જાપાનના વડાપ્રધાન સિન્જો આબે પણ અમદાવાદ આવી ચુકયા છે. હવે ઇઝરાયલના વડાપ્રધાન ગુજરાતના આર્થિક પાટનગરની મુલાકાતે આવ્યા છે. આજે એરપોર્ટ ઉપર સવારે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બંને નેતાઓએ મિત્રતાનો ૭ કિ.મી.નો ભવ્ય રોડ શો યોજયો હતો. જે દરમિયાન રસ્તાની બંને બાજુએ ઉપસ્થિત લોકોએ બંને નેતાઓનુ ઉમંગભેર અભિવાદન કર્યુ હતુ.

સુરક્ષાને કારણે આ રોડ શો બંધ ગાડીમાં યોજવામાં આવ્યો હતો. જે દરમિયાન સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર રૂટ પર પ૦ થી ૭પ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેમાં ભારતના તમામ રાજયોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રાચિન-અર્વાચીન ગરબા, મેહર રાસ તથા દાંડીયા રાસ રજુ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના સીદી બાદશાહોએ પણ તેમનુ પરંપરાગત નૃત્ય કરી સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ. ભારતીય યહુદી લોકોએ પણ બંને નેતાઓનુ સ્વાગત કર્યુ હતુ.

સમગ્ર રૂટ પર ૭૦૦૦ જેટલા સુરક્ષા કર્મચારીઓનો ખડકલો કરવામાં આવ્યો હતો. ઠેર-ઠેર હિન્દી અને હિબુ ભાષામાં મોટા બેનર્સ અને બંનેના કટાઉટસ મુકવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા માટે રાજય પોલીસની સાથે ઇઝરાયલની સુરક્ષા એજન્સી તૈનાત કરવામાં આવી હતી. ૭ કિ.મી.ના આ રૂટ પર કુલ ૭ ઝોન બનાવવામાં આવ્યા હતા. બંને તરફના રોડના એક કિ.મી. સુધીની બિલ્ડીંગો પર મોસાદના સ્નાઇપર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. ગાંધી આશ્રમમાં જ ૧૧૭ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા.

રોડ શો યોજયા બાદ બંને નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જયાં બેન્જામીને ચરખો પણ ચલાવ્યો હતો અને પ્રદર્શન પણ નિહાળ્યુ હતુ. બેન્જામીન નેતન્યાહુને રાષ્ટ્રપિતા ગાંધીજીની પુસ્તિકા સત્યના પ્રયોગો ભેટમાં આપવામાં આવી હતી. એ દરમિયાન બંને નેતાઓએ ગાંધીજીને શ્રધ્ધાંજલી પણ અર્પણ કરી હતી. પીએમ મોદી ગાંધી આશ્રમને ગાઇડ કરતા જોવા મળ્યા હતા. બંને નેતાઓએ ઘરના ઓટલે બેસતા હોય તેમ નિરાંતે બેસી વાતચીત કરી હતી. આ પહેલા ગાંધી આશ્રમમાં સુતરની આંટી પહેરાવી નેતન્યાહુ દંપતિનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બંને નેતાઓએ પતંગ ઉડાડવાની મજા પણ માણી હતી. પીએમ મોદીએ તેમને પતંગ વિશેની વાતો પણ કરી હતી. પીએમ મોદીએ પણ પતંગ ઉડાડી હતી. આ દરમિયાન નેતન્યાહુના હાથમાં કપાયેલ પતંગ આવી ચડયો હતો.

ગાંધી આશ્રમથી તેઓ હેલીકોપ્ટરથી બાવળા પહોંચ્યા હતા. જયાં આઇ ક્રીએટ સેન્ટર પર ૧પ૦૦થી વધુ ગુજરાતી બીઝનેસમેન સાથે બંને વડાપ્રધાનોએ લંચ કર્યુ હતુ. આ વખતે ગૌતમ અદાણી, પંકજ પટેલ, સુધીર મહેતા, અરવિંદ કે, સંજય લાલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાવળાથી તેઓ સાબરકાંઠાના વડરાજ જવાના છે ત્યાં એક કલાકનો કાર્યક્રમ છે તે પછી બપોરે ૪-૪પ કલાકે બંને વડાપ્રધાન અમદાવાદ આવશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.

(2:33 pm IST)