Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાજપ સાથે છેડો ફાડનારા જયનારાયણ વ્‍યાસ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્‍હી, તા.૨૮: ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્‍યારે રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપના દિગ્‍ગજ નેતા જયનારાયણ વ્‍યાસે કોંગ્રેસનો હાથ પકડ્‍યો છે. તેઓ સિદ્ધપુરના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા છે.

આ પ્રસંગે ખડગેએ કહ્યુ કે, કોંગ્રેસ વિરુદ્ધ ખોટા પ્રચાર થઇ રહ્યા છે. ભાજપના તમામ મોટા નેતાઓને પ્રચાર માટે ઉતરવું પડ્‍યું છે. ભાજપને ડર છે એટલે ભડકાઉ પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણીથી મોદી અને શાહ બન્ને પરેશાન છે. દેશ તમામ લોકોએ બનાવ્‍યો છે, કોઇ એક વ્‍યક્‍તિએ બનાવ્‍યો નથી. ગાંધી અને સરદારના નામે કેટલાક લોકો કોંગ્રેસ પર પ્રહાર કરે છે.

ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્‍યાસ ફરી ચર્ચામાં આવ્‍યા છે. તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્‍યાસે ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર માટે મત માગ્‍યા હતા. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્‍યાસે સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માગ્‍યા હતા. સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્‍યારે ગઇકાલે વામૈયા ગામમાં તેમની સભા યોજાઇ હતી. આ સભાની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્‍યાસ કોંગ્રેસ ઉમેદવારની સભામાં હાજર રહ્યા હતા. જયનારાયણ વ્‍યાસે કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્‍યા હતા. આ ઘટનાએ રાજકીય ચર્ચા જગાડી હતી.

ઉલ્લેખનીય છે કે, જયનારાયણ વ્‍યાસ ભાજપના દિગ્‍ગજ નેતા હતા. તેઓ ભાજપ સરકારમાં મોટી જવાબદારી નિભાવી ચૂકયા છે. નર્મદા નિગમના ચેરમેનથી માંડીને ૨૦૦૭થી ૨૦૧૨ સુધી આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ સિદ્ધપુરના ધારાસભ્‍ય રહી ચૂકયા છે અને ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્‍યા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી હારનો સામનો કરી રહ્યા હતા. તેઓ શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે વ્‍યસ્‍ત છે. જોકે, તેઓ સરકાર અને સંગઠનની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે.

(4:15 pm IST)